સાઉથોલઃ ઈસ્ટ એવન્યુ પર આવેલી પ્રોપર્ટીના મકાનમાલિક બલવિન્દરસિંહ કાહલોનને હાઉસિંગ એક્ટ સહિતના નિયમોના ભંગ કરવાના ૧૯ ગુના બદલ ઈલિંગ મેજિસ્ટ્રેટ્સ કોર્ટે ૩૦ ઓક્ટોબરે કુલ ૭૨,૪૦૦ પાઉન્ડની પેનલ્ટી ફટકારી હતી. ઈલિંગ કાઉન્સિલ દ્વારા કાહલોન વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી. કાહલોને મેનેજમેન્ટ ઓફ હાઉસીસ ઈન મલ્ટિપલ ઓક્યુપેશન (ઈંગ્લેન્ડ) રેગ્યુલેશન્સ ૨૦૦૬ તેમ જ હાઉસિંગ એક્ટ ૨૦૦૪ અન્વયે ગુનાની કબૂલાત કરી હતી.
તેને ૧૯ ગુના માટે ૬૯,૧૦૦ પાઉન્ડ, કાઉન્સિલ કોસ્ટ ૩,૧૮૦ પાઉન્ડ અને વિક્ટીમ સરચાર્જ ૧૨૦ પાઉન્ડનો દંડ કરાયો હતો. કાહલોને ૨૭ નવેમ્બર સુધીમાં ૨૫,૦૦૦ પાઉન્ડ અને બાકીની રકમ ૨૬ ફેબ્રુઆરી સુધીના ત્રણ મહિનામાં ચુકવવાની રહેશે.
ઓફિસરોએ ફેબ્રુઆરીમાં પ્રોપર્ટી સંબંધે વોરન્ટ મેળવ્યું હતું અને તેમની તપાસ દરમિયાન ત્યાં ૨૦ લોકો સહિત સાત પરિવાર રહેતાં હોવાનું જણાયું હતું. કેટલાંક લોકો બારી વિનાના રૂમ્સમાં રહેતાં હતાં. ગંદા બાથરૂમ્સ અને કિચન તેમજ ઈમર્જન્સી લાઈટ્સની જાળવણીનો પણ અભાવ હતો. કાહલોને હાઉસ ઈન મલ્ટિપલ ઓક્યુપેશન લાયસન્સનો ભંગ કરી આ પ્રોપર્ટીમાં મંજૂરી અપાયેલા ભાડૂત કરતા બમણાંથી વધુ લોકોને રાખ્યા હતા.