લંડનઃ ભારતની પંજાબ નેશનલ બેન્ક સાથે ૧.૩ બિલિયન પાઉન્ડની છેતરપીંડી કરી લંડન નાસી આવનારા ૪૯ વર્ષીય હીરાના વેપારી નિરવ મોદીના પ્રત્યર્પણનો કેસ હવે આખરી તબક્કામાં પહોંચ્યો છે. મંગળવાર, ૩ નવેમ્બરે વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં વોન્ડ્સવર્થ જેલમાંથી વીડિયો લિન્ક મારફત હાજર થયેલા નિરવના કેસની સુનાવણી કરાઈ હતી. ડિસ્ટ્રિક્ટ જજ સેમ્યુઅલ ગૂઝીએ ભાગેડુ વેપારી નિરવ મોદી સામે કેસ સ્થાપિત કરવા સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ED) દ્વારા રજૂ કરાયેલા પૂરાવાઓની ગ્રાહ્યતા – સ્વીકાર્યતા વિરુદ્ધ બચાવપક્ષની દલીલો સાંભળી હતી.
જોકે, જજ ગૂઝીએ ચુકાદો આપ્યો હતો કે નિરવ મોદી વિરુદ્ધ ભારતીય સત્તાવાળાઓ દ્વારા સુપરત કરાયેલા પૂરાવાઓ વ્યાપકપણે સ્વીકાર્ય રહેશે. તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ વિજય માલ્યા માટે અપાયેલા એક્સ્ટ્રાડિશન કોર્ટના ચુકાદાઓથી બંધાયેલા છે. જોકે, આઠ કેટેગરીમાં વહેંચાયેલા કેટલાક પૂરાવાઓને કેટલું વજન આપવું તેનો નિર્ણય પાછળથી કરાશે. જજ ગૂઝીએ કેસને ૭-૮ જાન્યુઆરી પર મુલતવી રાખ્યો છે જ્યારે તેઓ આખરી રજૂઆતો સાંભળશે.
જજના ચુકાદા પરથી જ મોદીને ભારત પ્રત્યર્પણ કરવાના આદેશ માટે કેસ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલને મોકલવાનો નિર્ણય થશે. આખરી સુનાવણી પછી આગામી વર્ષે થોડા સપ્તાહોમાં આમ થઈ શકે છે સિવાય કે મોદી ઉપલી કોર્ટમાં અપીલ કરે.
નિરવ મોદી ૧ ડિસેમ્બરે તેની દર વખતની રિમાન્ડ સુનાવણી માટે હાજર થશે. દરમિયાન, નિરવ મોદી જેલમાં જ રહેશે. તેણે ગયા મહિને નવા કારણો રજૂ કરી જામીન માગ્યા હતા પરંતુ, સાતમી વખત જામીન નકારી કઢાયા હતા.