લંડનઃ લેસ્બિયન માતા પોલી ચૌધરી અને તેની ૪૩ વર્ષની પ્રેમિકા કીકી મુદ્દરના અત્યાચારથી પોલીની આઠ વર્ષની બાળકી આયેશાનું મોત નીપજ્યું હતું. ભૂતપ્રેતમાં અંધશ્રદ્ધા ધરાવતી પ્રેમિકાની ચડામણીથી ૩૫ વર્ષીય પોલી તેની બાળકીમાં ડાકણ કે પ્રેત વાસ કરતો હોવાનું માનતી થઈ હતી. ચોથી માર્ચે ઓલ્ડ બેઈલી કોર્ટે આયેશાના કમોત માટે પોલી અને કીકીને ગુનેગાર ઠરાવ્યા હતા. પોલીને ૧૩ વર્ષ અને મુદ્દરને ૧૮ વર્ષની જેલની સજા કરાઈ હતી. જોકે, બન્ને સ્ત્રીઓ આયેશાના હત્યા માટે એકબીજા સામે દોષારોપણ કરતી હતી.મુદ્દરે ઓગસ્ટ ૨૯, ૨૦૧૩ની સવારે આયેશાના મોત અને પોલીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યાની જાણ પોલીસને કરી હતી. આયેશાનો મૃતદેહ બાથરૂમમાં મળ્યો હતો અને તેના શરીર પર ઈજાના ૪૦થી વધુ નિશાન હતાં. પોલીએ હત્યાની કબૂલાત કરતી નોંધો મૂકી હતી. જોકે, મુદ્દરને પણ દોષી ઠરાવતા પુરાવા પોલીસને મળ્યાં હતાં. માતાના અમાનુષી અત્યાચારથી આયેશા એટલી ત્રાસી ગઈ હતી કે તેણે લખેલી કેટલીક ડાયરીઓમાં પોતાની ખામીઓની યાદી દર્શાવી હતી અને પોતે હવે ખરાબ વર્તન નહિ કરે અને સુધરી જશે તેમ વારંવાર લખ્યું હતું. આયેશાને તેના ખરાબ વર્તન વિશે લવા ફરજ પડાતી હતી.મુદ્દરે કાલ્પનિક બોયફ્રેન્ડ્સ, દેવદૂતો અને પ્રેતાત્માઓ ઉભાં કર્યાં હતાં. આયેશાનાં મૃત્યુ સમયે પોલી આવાં ૧૫ કાલ્પનિક પાત્રો સાથે ફેસબુક અને ટેક્સ્ટ થકી વાતચીત કરતી હતી. આ પાત્રો આયેશામાં ડાકણ કે પ્રેત્માનો વાસ હોવાનું પોલીના મગજમાં ઠસાવતા હતા. આયેશાને સજા આપવી જરૂરી હોવાનું પોલીના મગજમાં ઠસી ગયું હતું. આ પછી તેના પર અત્યાચાર ગુજારવાનું ચાલુ થયું હતું. ‘સેતાન આયેશાને વહાલ કરવા કે ચાહવાનો તને કોઈ અધિકાર નથી’, તેમ જણાવતા ૪૦,૦૦૦થી વધુ ટેકસ્ટ સંદેશા મોકલી મુદ્દરે પોલીનું મગજ ભરમાવી દીધું હતું.