લંડનઃ કન્ઝર્વેટિવ સાંસદ શૈલેષ વારાએ તાજેતરમાં પીટરબરાના ફ્લેટોન ક્વાયેઝ ખાતે બંધાઈ રહેલી નવી હિલ્ટન ગાર્ડન ઈનની સ્થળ મુલાકાત લીધી હતી. આ હોટેલ 2023ના સ્પ્રિંગમાં ખુલ્લી મૂકાવા શક્યતા છે. હિલ્ટન હોટેલ્સની સાથે ભાગીદારીમાં કામ કરી રહેલા પ્રોપાઈટીઅર હોટેલ લિમિટેડના ડાયરેક્ટર રિચાર્ડ માર્ટિને સાંસદ વારાને બાંધકામ બતાવ્યું હતું. હિલ્ટન ગાર્ડન ઈનના જનરલ મેનેજર શેરિફ ગાડ અને ડાયરેક્ટર ઓફ સેલ્સ ડેનિયલ પાલાસિઓસ પણ તેમની સાથે જોડાયા હતા. સાંસદ વારાએ નવા રૂફ-ટોપ સ્કાય બાર અને ટેરેસનું નિર્માણ કરાઈ રહ્યું છે તેના સહિત અને મજલાઓની મુલાકાત લીધી હતી. મુલાકાત પછી સાંસદ વારાએ જણાવ્યું હતું કે, ‘પીટરબરાના કેન્દ્રમાં મહત્ત્વના લોકેશન પર આવેલા નવા હિલ્ટન ગાર્ડન ઈન પ્રોજેક્ટ પર કામ કરી રહેલા રિચાર્ડ અને તેમની ટીમને મળી આનંદ થયો છે. હોટેલ બંધાઈ ગયા પછી શહેરમાં સૌથી સુંદર હોટેલ્સમાં એક બની રહેશે. બાંધકામ સંપૂર્ણ થઈ ગયા પછી હું આ સ્થળની ફરી મુલાકાત લેવા ઉત્સુક છું.’
આ નવી હોટેલમાં 160 બેડરૂમ્સ, પાંચ ફંક્શન રૂમ્સ અને ફિટનેસ સેન્ટર તેમજ ગ્રાઉન્ડ ફ્લોર પર રેસ્ટોરાં અને રિવર નેનેને નિહાળી શકાય તેવા બારનો સમાવેશ થાય છે.