લંડનઃ પૂર્વ સિટી મિનિસ્ટર લોર્ડ માયનર્સે નિસા રીટેઈલના વહીવટ મુદ્દે આંચકાજનક રિપોર્ટ આપ્યો છે. ૧૮ વર્ષના હેરિસ અસ્લમે નિસાના ચીફ એક્ઝીક્યુટિવ તરીકે ઉમેદવારી કરવાનું આયોજન કર્યું હતું, પરંતુ ડેટા લીકની ગેરરીતિના કારણે ઉમેદવારી ફગાવી દેવાઈ હતી. લોર્ડ માયનર્સે જણાવ્યું છે કે સભ્યોની માલિકીના કન્વીનિઅન્સ સ્ટોર ચેઈને મૂળભૂત પરિવર્તન હાથ ધરવાની જરૂર છે.
અગાઉ, કો-ઓપરેટિવ ગ્રૂપ માટે આ પ્રકારની સમીક્ષા કરનારા લોર્ડ માયનર્સને નિસાના ચેરમેન દ્વારા ફેબ્રુઆરીમાં આ કામગીરી સોંપાઈ હતી. નિસામાં આંતરિક વિવાદો પછી ૧૮ વર્ષીય ડિરેક્ટરે નેતૃત્વ સંભાળવા ઉમેદવારી કરી હતી, પરંતુ ડેટા લીક થવાના પગલે તેની હકાલપટ્ટી કરાઈ હતી. માયનર્સનો ૪૮ પાનાનો રિપોર્ટ નિસાના ૧,૨૦૦ દુકાનદારોને પહોંચાડી દેવાયો હતો. મોટા સુપરમાર્કેટ્સ દ્વારા અતિક્રમણથી સ્વતંત્ર રીટેઈલર્સને બચાવવા ૧૯૭૭માં નિસાની સ્થાપના કરાઈ હતી, જે સમયાંતરે બ્રિટનની સૌથી મોટી ખાનગી કંપનીઓમાંની એક તરીકે વૃદ્ધિ પામી હતી. તે £૧.૬ બિલિયનનું વેચાણ ધરાવે છે અને ૨,૫૦૦થી વધુ સ્ટોરમાલિકોને બ્રાન્ડિંગ અને પ્રોડક્ટસ પૂરાં પાડે છે.
ગત સપ્ટેમ્બરમાં એકાઉન્ટન્સી જાયન્ટ EY અને તપાસકાર ક્રોલ દ્વારા ૩૦૦,૦૦૦ની તપાસના પગલે નિસાએ અસ્લમ અને તેના પિતરાઈ અને સાથી નોન-એક્ઝીક્યુટિવ રઝા રહેમાનને ‘અનુચિત વર્તન’ના કારણોસર બરતરફ કર્યા હતા. અસ્લમ અને રહેમાને અનુચિતતાનો ઈનકાર કરી નિસા સામે કાનૂની કાર્યવાહીની ધમકી આપી હતી. જોકે, આવી કાર્યવાહી થઈ ન હતી. આ વિવાદના પગલે નિસાના સૌથી મોટા ગ્રાહક કોસ્ટકટરે ૨૭ વર્ષનો સંબંધ તોડી અન્ય હોલસેલર પાલ્મર એન્ડ હાર્વી સાથે ભાગીદારી કરી હતી. નિસાએ અન્ય ગ્રાહકો પણ ગુમાવ્યાં છે.