લંડનઃ યુકેમાં નીસડન ટેમ્પલ તરીકે પ્રખ્યાત BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે રવિવાર ૩૦ ઓક્ટોબર અને સોમવાર ૩૧ ઓક્ટોબરે દિવાળી અને હિન્દુ નૂતન વર્ષના તહેવારોની ભવ્યતમ ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં પારિવારિક મૂલ્યો, દાન, શુભેચ્છા અને ઈશ્વર પ્રત્યે પ્રેમનું મહત્ત્વ દર્શાવાયું હતું. શ્રદ્ધાળુ અને મુલાકાતીઓએ રવિવારની ઉજવણીમાં હિન્દુ ધર્મની સમૃદ્ધ ,સંસ્કૃતિ અને ભક્તિભાવનો અનુભવ કર્યો હતો. બ્રિટનસ્થિત ભારતીય કાર્યકારી હાઈ કમિશનર દિનેશ પટનાઈકે પણ ઉજવણીમાં હાજરી આપી હતી.
‘પ્રકાશના પર્વ’ નિમિત્તે મૂર્તિઓની સુંદર સજાવટ ઉપરાંત, સમગ્ર મંદિરને રોશની અને વિવિધ પ્રકારની રંગોળીથી શણગારાયું હતું. સ્વામીજીઓની હાજરીમાં ઘર અને બિઝનેસ માલિકો માટે ચોપડાપૂજન વિધિ યોજવામાં આવી હતી. વર્તમાન હિસાબી ચોપડાને બંધ કરવા અને નવા વર્ષમાં હિસાબો લખવા નવા ચોપડાની પૂજા દરમિયાન દાનનું પણ વિશેષ મહત્ત્વ છે.
સોમવારે હિન્દુ નવા વર્ષ (વિક્રમ સંવત ૨૦૭૩) નિમિત્તે સમગ્ર વિશ્વ માટે શાંતિ, સમૃદ્ધિ અને સંવાદિતાની પ્રાર્થનાઓ કરાઈ હતી. ઈશ્વરના આભારના પ્રતીકરુપે ૧૨૦૦થી વધુ તાજા અને સ્વાદિષ્ટ શાકાહારી વ્યંજનોનો ‘અન્નકૂટ’ ધરાવાયો હતો, જેના દર્શન માત્રથી શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓ અચંબિત બન્યાં હતાં.
BAPS સ્વામીનારાયણ સંસ્થાના વર્તમાન આધ્યાત્મિક નેતા મહંત સ્વામી મહારાજે તમામ માટે નવા વર્ષના આશીર્વચનોનો સંદેશો પાઠવ્યો હતો. ભારતીય કાર્યકારી હાઈ કમિશનર દિનેશ પટનાઈકે સંબોધન કરતા જણાવ્યું હતું કે આવા પવિત્ર પ્રસંગે મંદિરમાં હાજર રહેવું તેમના માટે ગૌરવની પળ છે. તેમણે પ્રાર્થના અને સેવા માટે કોમ્યુનિટીને એક સાથે લાવી મંદિર દ્વારા ભાવાત્મક ઊર્જાના સર્જનની પણ વાત કરી હતી.
બાળકો દ્વારા તાજેતરના ઈટાલી ભૂકંપના અસરગ્રસ્તો માટે ભંડોળ એકત્ર કરી નવા વર્ષે સુંદર સંદેશો પાઠવ્યો હતો. યુવાન સ્વયંસેવકોએ દિવંગત પ્રમુખસ્વામી મહારાજના ઉપદેશ ‘અન્યોના સુખ-આનંદમાં જ તમારું સુખ છે’ની યાદ અપાવી લોકોને દાન આપવા પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે શ્રદ્ધાળુઓએ નીસડન મંદિરના સર્જક અને લોકલાડીલા ધર્મગુરુને શ્રદ્ધાંજલિ પણ અર્પી હતી.