નીસડન મંદિરમાં આઠમા વાર્ષિક આંતરરાષ્ટ્રીય મહિલાદિનની પ્રેરણાદાયી ઉજવણી

Wednesday 15th March 2017 06:54 EDT
 
 

લંડનઃ શનિવાર ૧૧ માર્ચના દિવસે નીસડન મંદિરના હુલામણા નામે પ્રસિદ્ધ લંડનના નીસડનના BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે આઠમો વાર્ષિક આંતરરાષ્ટ્રીય મહિલાદિન ઉજવવા ૧,૩૦૦થી વધુ મહિલાઓ એકત્ર થઈ હતી. ‘Celebrating Women: Inspiring Generations’ થીમ સાથેનો આ કાર્યક્રમ ઉંમરના અવરોધોને ઓગાળી સાથી મહિલાઓ પાસેથી પ્રેરણા મેળવવાના હેતુસર ઉજવાયો હતો.

પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના ત્રણ ચાવીરુપ સંદેશા ‘હંમેશાં ઉંચું વિચારોઃ શ્રેષ્ઠ બનો’, ‘સેવાઃ અન્યોની ખુશીમાં જ આપણું કલ્યાણ રહેલું છે’ અને ‘સમર્પણઃ ભવિષ્ય ઉજ્જવળ છે’ પર ધ્યાન કેન્દ્રિત કરતા આ આનંદદાયી કાર્યક્રમમાં સંખ્યાબંધ સ્કેચીસ, વિડિયો, ચેટ શો, ગેઈમ શો, અને પ્રેરણાદાયી મહિલાઓ દ્વારા પ્રેરક પ્રવચનોનો સમાવેશ થયો હતો. સમૂહ સંગીતગાન સાથે સમાપ્ત થયેલી સાંજમાં માતા-પુત્રીની જોડીએ ઉદ્ઘોષિકા તરીકેની અદ્ભૂત કામગીરી બજાવી હતી.

આ કાર્યક્રમના પ્રેરણાદાયી પ્રવચનકારોમાં ઈંગ્લેન્ડથી ભારત સુધીની ૩૨,૦૦૦ કિલોમીટરના કારપ્રવાસમાં આર્કટિક સર્કલમાં થઈ દુર્ગમ યાત્રા કરનારી પ્રથમ મહિલા તરીકે વિશ્વવિક્રમ સર્જનારાં ભારુલતા કાંબલેનો પણ સમાવેશ થયો હતો. તેમણે પોતાની વિકટ યાત્રાનું વર્ણન કરવા સાથે કઈંક અલગ જ વિચારી અંગત સીમાઓથી બહાર નીકળવા ઓડિયન્સને પ્રોત્સાહન આપવાં મનનીય વિચારોમાં સહભાગી બનાવ્યાં હતાં. ભારતમાં છોકરીઓ માટે ઉચ્ચ જ્ઞાન અને આત્મનિર્ભરતાના પ્રોજેક્ટ સમાન તેમની નોમિનેટેડ ચેરિટી ‘Kedi: The Untrodden Path’ (કેડીઃ વણખેડાયેલો માર્ગ) માટે BAPS Charities દ્વારા ભારુલતા કાંબલેને ૭૫૧ પાઉન્ડનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

નીસડન મંદિરની નિયમિત મુલાકાત લેતી મહિલાઓએ પણ તેમનાં અનુભવો વર્ણવ્યાં હતાં. ૧૮ વર્ષીય શ્રીયા પટેલે મોંગોલિયાના પ્રવાસનું વર્ણન કર્યું હતું, જ્યાં તેમણે અનાથાશ્રમના નિર્માણમાં મદદ કરી હતી. ૬૮ વર્ષીય ઈલાબહેન પટેલે ઈસ્ટ આફ્રિકામાં તેમનાં ઉછરવાના ગાળામાં નિઃસ્વાર્થ સેવાનાં અનુભવોનું વર્ણન કર્યું હતું. લાંબો સમય સુધી અશક્ત બનાવતી આરોગ્યની ખરાબ હાલત છતાં તેમની આસ્થાએ કોમ્યુનિટીની સેવા ચાલુ રાખવાની તાકાત આપી હતી તેના મર્મભેદી અનુભવો ૫૫ વર્ષીય કાશ્મીરાબહેન પોપટિયાએ વર્ણવ્યાં હતાં. આ ત્રણે મહિલાએ સ્વતંત્રતા, સહકાર, મક્કમતા અને અનુશાસન વિશેના પાઠમાં સહુને સહભાગી બનાવ્યાં હતાં.

કોર્પોરેટ અને મીડિયા ધારાશાસ્ત્રી, જ્હાન્વી દાદરકર ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિરેક્ટર્સ બોર્ડ ઓફ એક્ઝામિનર્સના સૌથી યુવાન અને એકમાત્ર એશિયન સભ્ય છે. તેઓ ફૂટબોલ એસોસિયેશનના મહિલાઓ માટેના નેતૃત્વ પ્રોગ્રામના સલાહકાર અને સમન્વયક પણ છે. મિસ દાદરકરે પોતાનાં અંગત અનુભવોના વર્ણન અને કાર્યક્રમના તમામ ચાવીરુપ થીમના તાણાવાણાને ગોઠવીને પ્રેરણાત્મક પ્રવચન આપ્યું હતું. તેમણે ઓડિયન્સને અનુરોધ કરતાં જણાવ્યું હતું કે,‘તમારાં પરિવારનું મૂલ્ય સમજો અને એક હિન્દુ નારી તરીકે આપણે વિશ્વને વધુ બહેતર બનાવવાં ધાર્મિક વૃતાંતો-ઈતિહાસને પ્રોત્સાહન આપવું જ જોઈએ.’

આ કાર્યક્રમનું સમાપન કરતાં કાર્યક્રમ માટેના મુખ્ય સ્વયંસેવક સ્વાતિ દેસાઈ-પટેલે ઉમેર્યું હતું કે,‘અનેક મહિલાઓએ યુવાન છોકરી તરીકે વિનમ્ર અને પ્રશંસાપાત્ર મૂલ્યોથી માંડી અભૂતપૂર્વ જીવનયાત્રાનું ખેડાણ કર્યું છે, તેને નજરમાં રાખતાં આજના કાર્યક્રમથી એક તદ્દન સરળ છતાં ઘણી વખત ભૂલાઈ જતો સંદેશ સાંભળવા મળ્યો છે કે વ્યક્તિના ચારિત્ર્ય, તાકાત, જ્ઞાન અથવા ડહાપણને સ્વીકારવામાં વયનું પરિબળ ધ્યાનમાં રાખવાનું હોતું નથી. આથી જ, આપણે તમામ પેઢીઓની મહિલાની શક્તિઓની ઉજવણી તેમનાં અનોખાં કૌશલ્ય, પ્રતિભા અને મૂલ્યોને ધ્યાનમાં રાખી કરવાં ઈચ્છતાં હતાં. આ તમામ વયની મહિલાઓને પ્રકાશમાં લાવી તેમનાં ઉદ્દેશો સિદ્ધ કરવાં તેમને શેમાંથી પ્રેરણા પ્રાપ્ત થઈ હતી તે સમજવા સાથે હું ખરેખર માનું છું કે અન્ય ઘણી મહિલાને તેમનાથી સમજ મેળવ્યાંની લાગણી થઈ હશે અને તેમનાં જીવનનાં ધ્યેયોની સિદ્ધિ હાંસલ કરવાના માર્ગે નવું કદમ ઉપાડવાની પ્રેરણા પ્રાપ્ત થઈ હશે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter