લંડનઃ BAPS શ્રી સ્વામીનારાયણ સંપ્રદાયના ગુરુવર્ય પ્રમુખસ્વામી મહારાજ વિશ્વના લાખો લોકોનાં જીવન સાથે સંકળાયેલા હતા. યુકેને તેમની સર્વશ્રેષ્ઠ ભેટોમાં એક લંડનના નીસડનમાં વિશ્વવિખ્યાત BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરના નિર્માણની હતી. પ્રમુખસ્વામી મહારાજના હસ્તે ઓગસ્ટ ૧૯૯૫માં ઉદ્ઘાટન કરાયા પછી રાષ્ટ્રના ધાર્મિક ફલકમાં અંગભૂત બની રહેલું આ મંદિર વર્ષો દરમિયાન મંદિરના લાખો મુલાકાતીઓ માટે શાંતિ, સંવાદિતા અને આધ્યાત્મિકતાનું પ્રેરણાસ્રોત બની રહ્યું છે.
મંદિરની ૨૧મી વર્ષગાંઠની ઉજવણી ભારતથી આવેલા વરિષ્ઠ સાધુ સદગુરુ ભક્તિપ્રિયદાસ સ્વામી (કોઠારી સ્વામી)ની ઉપસ્થિતિમાં શનિવાર, ૨૭ ઓગસ્ટ ૨૦૧૬ના રોજ કરવામાં આવી હતી. મંદિરના ઉદ્ઘાટન તેમજ ઈશ્વરની દિવ્ય હાજરીમાં મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા દિનની વર્ષગાંઠ નિમિત્તે સાધુઓએ સવારથી જ ‘પાટોત્સવ’ની વેદિક વિધિઓ આરંભી હતી.
મુલાકાતીઓએ દિવસ દરમિયાન નિલકંઠ વર્ણીના જલાભિષેકમાં ભાગ લીધો હતો અને અન્નકૂટના દર્શન કર્યા હતા. બપોર પછી મહાપૂજાનો આરંભ થયો હતો અને વિશ્વમાં સતત શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તેવા આશીર્વાદની ઈશ્વરને પ્રાર્થના કરી હતી. સાંજની વિશેષ સભામાં હરિભક્તો અને મહેમાનોએ સ્વામીશ્રીના નિસ્વાર્થ અવને આધ્યાત્મિકતાથી સમૃદ્ધ જીવનને આદરાંજલિઓ અર્પી મદિરમાં તેમની હાજરીના સંસ્મરણો વાગોળ્યા હતા.