લંડનઃ BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરમાં શનિવાર ૧૪ માર્ચે આંતરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં BAPS વિમેન્સ ફોરમ, યુકે દ્વારા ૧૪૦૦થી વધુ લોકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. યુનાઈટેડ નેશન્સ દ્વારા માન્ય કરાયેલો આ દિવસ મહિલાઓ પોતાના જીવનમાં, પરિવારો અને વ્યાપકપણે સમુદાયમાં વિધેયાત્મક પરિવર્તન લાવી શકે તે માટે સ્ત્રીઓમાં જાગૃતિ કેળવવા અને તેમના સશક્તિકરણના હેતુથી ઉજવાય છે.
નીસડન મંદિરમાં આ કાર્યક્રમ BAPS વિમેન્સ ફોરમ દ્વારા પ્રગતિશીલ અને વધુ સંપૂર્ણ જીવન વીતાવવા ઈચ્છુક સ્ત્રીઓના સન્માન, સ્વાતંત્ર્ય, આરોગ્ય અને સલામતી પર કેન્દ્રિત વર્ષ લાંબા ઈનિશિયેટિવનો આરંભ બની રહ્યો હતો. વિશ્વશાંતિની પ્રાર્થના સાથે કાર્યક્રમ શરૂ થયો હતો. આ વર્ષના પ્રથમ ઘટક ‘બી રીસ્પેક્ટફુલ’ વિશે મત અને પડકારો સાથે સંકળાયેલી ચર્ચાનો આરંભ કરાયો હતો. મુખ્ય મહેમાન જર્નાલિસ્ટ અને ન્યૂઝ પ્રેઝન્ટર મિસ રિતુલા શાહે ચાવીરુપ સંબોધન કરતા સ્ત્રી યોગ્ય સપોર્ટ અને માર્ગદર્શન મેળવવાની સાથોસાથ પોતાની સંસ્કૃતિ, વ્યવસાય અને પરિવારોનું ગૌરવ જાળવીને પણ પ્રગતિશીલ સિદ્ધિ હાંસલ કરી શકે તેની વાત કરી હતી.
કાર્યક્રમમા એક આયોજક અમી દેસાઈએ જણાવ્યું હતું કે સ્ત્રીજીવન બહુપરિમાણીય છે. આદર જાળવવાની સાથે જ પ્રગતિ સાધવી અને જીવનનો અર્થ શોધવો તે મહત્ત્વનો પડકાર છે.