લંડનઃ લંડન બિઝનેસ સ્કૂલ ખાતે ઈન્ડિયા ક્લબ દ્વારા આયોજિત ‘મોડર્ન ઈન્ડિયન હિસ્ટરી એન્ડ લીડરશિપ કાર્યક્રમ’માં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સન્માનીય, લોકપ્રિય અને અગ્રણી ભારતીય નેતા સુભાષચંદ્ર બોઝના લાપતા થવા વિશેના ઐતિહાસિક રહસ્યની ચર્ચા થઈ હતી. ભારતીય લેખક અને પૂર્વ જર્નાલિસ્ટ અનુજ ધરે આગવા સંશોધનના આધારે દાવો કર્યો હતો કે નેતાજી બોઝ ઉત્તર ભારતમાં અનામી સાધુનો વેશ લઈને છુપાઈ રહ્યા હતા અને ૧૯૮૫માં તેમનું નિધન થયું હતું. એક સમયે મનાતું હતું કે નેતાજી બોઝ ૧૯૪૫માં તાઈપેઈમાં વિમાન તૂટી પડવાથી મૃત્યુ પામ્યા હતા.
ભારત સરકારે નીમેલા તપાસ પંચની તપાસમાં ૨૦૦૬માં સ્પષ્ટ કરાયું હતું કે આવો કોઈ અકસ્માત થયો ન હતો. જોકે, આધુનિક ભારતમાં નેતાજી અદૃશ્ય થવા સંબંધે સૌથી વિવાદી અને દીર્ઘકાલીન રહસ્ય સંબંધે અનેક ગોપનીય ફાઈલ્સ જાહેર કરવા સરકાર તૈયાર નથી. અનુજ ધર અને લંડન બિઝનેસ સ્કૂલના વિદ્યાર્થીઓએ ગુપ્ત ફાઈલો જાહેર કરવા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માગણીને દોહરાવી હતી.