લંડનઃ પાંચ વર્ષ અગાઉ કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ દરમિયાન આંખોની રોશની ગુમાવી ચૂકેલા અમિત પટેલ માટે પાલતુ શ્વાન કીકા તેમની આંખો બની ચૂક્યો છે. કીકા અમિતને માર્ગ ચીંધવાની સાથોસાથ તેમના માટે સીસીટીવી કેમેરાનું કામ પણ કરે છે. પોતાના માલિકને એસ્કેલેટર પર લઈ જવા તાલીમબદ્ધ હોય એવા પાંચ ટકા ડોગમાં તેનો સમાવેશ થાય છે. અમિત રોજ રસ્તા પર ચાલતા હોય ત્યારે કીકાના શરીર પર લાગેલા ગો-પ્રો કેમેરાથી તેમની સાથે થતા વર્તનનું રેકોર્ડિંગ કરે છે. અમિતે કેમેરા એટલા માટે લગાવ્યો છે કે જેથી તે દુનિયાને બતાવી શકે કે પ્રજ્ઞાચક્ષુ લોકો સાથે કેવું વર્તન થાય છે.
આંખે દેખાતું બંધ થવા અગાઉ અમિત પટેલ લંડનની આસપાસની હોસ્પિટલોમાં બદલી ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતા. તેમને કેરાટોકોનસ રોગ હોવાનું નિદાન થયું હતું. આ રોગમાં કોર્નિયાનો આકાર બદલાઈ જાય છે. પટેલે બ્રિટન અને અમેરિકામાં છ કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ સાથે નવ મહિના સારવાર કરાવી હતી પરંતુ, તમામ ટ્રાન્સપ્લાન્ટ નિષ્ફળ રહ્યા હતા. અત્યારે પટેલ નવા ડોગ યુઝર્સને માર્ગદર્શન આપવા RNIB, એક્શન ફોર બ્લાઈન્ડ પીપલ અને ગાઈડ ડોગ્સ ફોર ધ બ્લાઈન્ડ સાથે વોલન્ટિયર તરીકે કામ કરે છે.
લંડનમાં રહેતા મૂળ ગુજરાતી અમિત પટેલ જણાવે છે કે, ‘હું જોઇ શકતો હતો ત્યાં સુધી ઇજ્જતદાર માણસ હતો. મેં આંખોની રોશની ગુમાવતાં લોકો મારી સાથે એવી રીતે વર્તવા લાગ્યા કે જાણે મારું કોઇ વજૂદ ન હોય. રસ્તે જતાં લોકો ક્યારેક મને તો ક્યારેક કીકાને જાણીજોઇને ધક્કા મારતા જાય છે. અમે એસ્કેલેટર પર હોઇએ ત્યારે લોકો કીકાને છત્રીથી મારે અને અમને બાજુએ ખસવા કહે. લોકોનાં આવા વર્તનને લીધે ઘણીવાર કીકા પણ ગભરાઈ જાય છે અને થોડા દિવસ સુધી એસ્કેલેટર પર આવતું નથી.’ દરરોજ ટ્રેનની મુસાફરી કરતાં પટેલે જણાવ્યું હતું કે તે એસ્કેલેટર પર જતા હોય ત્યારે કીકા તેમની ડાબી બાજુએ બેસે છે.
એક વાર તો એક મહિલાએ તેમને ત્યાં સુધી કહ્યું કે તેઓ લોકોનો રસ્તો રોકી રહ્યા હોવાથી તેમણે લોકાની માફી માગવી જોઇએ. અમિતે પૂછ્યું કે,‘શું હું એટલા માટે માફી માગું કે હું જોઇ નથી શકતો?’ તો તેણે કહ્યું, હા. આ જવાબ ચોંકાવનારો હતો. દુનિયા મને ડરામણી લાગવા લાગી. ક્યારેક રસ્તો ઓળંગતા હોઇએ ત્યારે લોકો જાણીજોઇને કારની ઝડપ વધારી દેતા. મદદ માગું તો મને જોવાં છતાં ન જોયો હોય તેવું દર્શાવે જ્યારે મને અહેસાસ થતો હોય કે આસપાસ ઘણા લોકો અંધ છે.’
કીકા પર કેમેરા ફિટ કર્યા પછી તેમને આ બધું જાણવા મળ્યું છે. તેઓ રોજ ફરતા હોય ત્યારે તેમની સાથે જે કંઇ વ્યવહાર થાય તે હવે રેકોર્ડ થઇ જાય છે. ઘરે ગયા પછી તેમની પત્ની સીમા ફુટેજ જોઇને સમગ્ર ઘટના વિશે જણાવે છે. કીકાએ એક વખત પોતાના માલિકનો જીવ બચાવ્યો હતો. એક વખત ક્રોસિંગ પર એક કાર રેડ સિગ્નલ તોડીને આવતી હતી. કીકા કાર જોઈ જતા તેના માલિકની આગળ આવી ગયો હતો અને કાર તેની સાથે અથડાઈ હતી. કીકાને નાક પર ઈજા થઈ હતી. તેની ઈજા ત્રણ દિવસે મટી હતી.
દિવ્યાંગો સાથે દુર્વ્યવહારનો વીડિયો જોઇ રેલવેએ સ્ટાફને ટ્રેનિંગ આપી
અમિત એક દિવસ રેલવે સ્ટેશને મદદ માગતા હતા. આસપાસ રેલવેના ઘણા કર્મચારી તેમને જોતા પણ હતા પરંતુ લાંબા સમય સુધી કોઇ તેમની મદદે આવ્યું. આ પછી એક કર્મચારીએ આવીને કહ્યું, ‘સોરી, મેં તમને જોયા નહિ.’ અમિતે રેલવેમાં ફરિયાદ કરી. પુરાવા તરીકે રેકોર્ડિંગ સોંપ્યું. રેલવેએ તપાસ કર્યા બાદ પોતાના કર્મચારીઓને દિવ્યાંગો સાથે સંવેદનશીલ વ્યવહારની ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું છે.