નોકરીમાંથી છટણી પછી બારિન્દર હોથીએ £૧૫ મિલિયનની નોલેજ એકેડેમી સ્થાપી

Tuesday 28th April 2015 10:42 EDT
 
 

લંડનઃ પારિવારિક કટોકટીએ દિલશાદ અને બારિન્દર હોથીને ઉદ્યોગસાહસિક બનાવ્યાં છે. તેમણે પોતાની નોલેજ એકેડેમીના અભ્યાસક્રમો મારફત £૧૫ મિલિયનનું વેચાણ હાંસલ કરી નામના હાંસલ કરી છે. આજે બર્કશાયરના બ્રેકનેલમાં આવેલી તેમની કંપની બિઝનેસ, ફાઈનાન્સ, લો, એચઆર અને પ્રોજેક્ટ મેનેજમેન્ટના ક્ષત્રોમાં ૫૦૦૦ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ ઓફર કરે છે.

બારિન્દરની માઈક્રોસોફ્ટમાંથી છટણી કરાયાના થોડાં મહિના પછી તેમની ત્રણ વર્ષીય પુત્રી અમૃતાને ન્યૂમોનિયા થયાં પછી ભાવિનો વિચાર કરવો મહત્ત્વનો બની ગયો હતો. હોસ્પિટલમાં પરિવાર અને જીવન માટે શું જોઈએ તેનો વિચાર કરવાનો તેમને સમય મળ્યો હતો. અમૃતા સાજા થયાં પછી હોથી દંપતીએ ખુદ માલિક બનવા નિર્ણય કર્યો અને તેમણે એપ્રિલ ૨૦૦૯માં આઈટી પ્રોફેશનલ્સને તાલીમ અભ્યાસક્રમો ઓફર કરતી નોલેજ એકેડેમી સ્થાપી હતી. તેમના પતિ દિલશાદે પણ એકેડેમીના ચીફ એક્ઝીક્યુટિવ બનવા નોકરી છોડી હતી.

લંડન, રીડિંગ, બર્મિંગહામ, કોવેન્ટ્રી અને માન્ચેસ્ટરમાં ઓફિસો ધરાવતી એકેડેમી બ્રિટનમાં ૩૦ ટ્રેનિંગ સેન્ટર અને ૧૦ ઈન્ટરનેશનલ સબસિડીઅરીઝ ધરાવે છે. ૧૭૦ કર્મચારીઓ ધરાવતી કંપનીના ક્લાયન્ટ્સમાં રોલ્સ રોયસ, ડિઝની અને બ્રિટિશ ગેસનો પણ સમાવેશ થાય છે. કંપનીએ ગયા વર્ષમાં માર્ચ સુધીના વર્ષમાં £૧૪.૯ મિલિયન વેચાણ અને £૨.૬ મિલિયન પ્રોફેટ જાહેર કર્યો હતો. આ વર્ષે તેમની રેવન્યુ £૨૫ મિલિયન થવાની ધારણા છે. તેઓ આ બિઝનેસ વેચવા કે છોડવા તૈયાર નથી.

મેનેજિંગ ડિરેક્ટર બારિન્દર હોથીએ જણાવ્યું હતું કે,‘અમે પુખ્ત શિક્ષણના વિશ્વમાં એમેઝોન બનવાની હોંશ ધરાવીએ છીએ. અભ્યાસક્રમો અને ક્લાયન્ટ્સનો અમારો પોર્ટફોલિયો રોજબરોજ વધી રહ્યો છે. અમારી સ્પર્ધા શિક્ષણબજારમાં પ્રખ્યાત ખેલાડીઓ સાથે છીએ. પેરિસ, ન્યૂ યોર્ક, બીજિંગ, કાબુલ અને સીડની સહિતના મોટાં શહેરોમાં અભ્યાસક્રમોની વ્યાપક રેન્જ પૂરી પાડવામાં અમારી તાકાત રહેલી છે.’

વેસ્ટ લંડનના હિલિંગ્ડનમાં જન્મેલાં બારિન્દરના મોટા ભાઈ અને બહેનનો જન્મ ભારતના પંજાબમાં થયો હતો. રેસ્ટોરાંના વેપારમાં સંકળાયેલા તેમના પિતાએ હેરોમાં રેસ્ટોરાં ખોલ્યું હતું. બારિન્દરે હેરોની બેન્ટલી વૂડ હાઈ સ્કૂલ ફોર ગર્લ્સમાં અભ્યાસ કર્યો હતો. તેઓ ૧૯૯૫માં કિંગસ્ટ્ન યુનિવર્સિટીમાં ફાઈનાન્સિયલ ઈકોનોમિક્સના અભ્યાસ માટે જોડાયાં હતાં. તેમણે ૧૯૯૯માં પંજાબથી આવેલા અને ભારતીય એર ફોર્સના વાઈસ- માર્શલના પુત્ર દિલશાદ જોડે લગ્ન કર્યાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter