નોર્થોલ્ટ (લંડન): બ્રિટનમાં નોર્થોલ્ટ સેન્ટરમાં તાજેતરમાં કચ્છી લેવા પટેલ સમાજનું વાર્ષિક અધિવેશન યોજાઈ ગયું. જેમાં છ હજારથી વધુ જ્ઞાતિજનોએ હાજર રહ્યાં હતાં. કાર્યક્રમમાં ચાર રંગોળી બની હતી અને મહિલાઓએ લગ્નગીતો રજૂ કર્યાં હતાં. બાળકોએ પણ માહોલને સંગીતમય બનાવ્યો હતો. બિઝનેસ પ્રદર્શન જોવા ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મંદિરો જેવી રચનાના કારણે મિની કચ્છ અહીં ખડું થયું હતું.
કાર્યક્રમમાં ભુજ મંદિરના સંતો, બ્રિટિશ એમપી સ્ટીવન પાઉન્ડ, તારીક મહમૂદ, નવીન શાહ, અજય મારુ, કૃપેશ હીરાણી સહિતના સ્થાનિક રાજકીય અગ્રણીઓ હતા. સમાજના પ્રમુખ માવજી ધનજી વેકરિયાએ સૌને આવકારતાં સમાજમાં ભાગ લઇ રહેલા કચ્છીઓની નવી પેઢીની સક્રિયતાને બિરદાવી હતી. મહિલાઓ, દાતાઓ, કાર્યવાહક સમિતિના સભ્યો, ટ્રસ્ટીઓ, ચોવીસીના તમામ ગામોના પ્રમુખ, મંત્રી, કમિટીના સર્વે સભ્યો, વિલ્સડન, હેરો કેન્ટન, સ્ટેનમોર, વુલ્વીચ, વિવિધ સંસ્થાઓના અગ્રણી કાર્યકરોનો આભાર માન્યો હતો.
માવજીભાઈએ યુકે સમાજની બિલ્ડિંગના નવનિર્માણનો પ્લાન પણ રજૂ કર્યો હતો અને દરેક પ્રકારના સહયોગ માટે અપીલ કરી હતી. આમંત્રિત કચ્છી લેવા પટેલ યુવક સંઘ, ભુજના મંત્રી વસંતભાઈ પટેલ (હાલાઈ)એ બ્રિટનવાસીઓ દ્વારા વતનમાં થયેલા કેટલાક નાણાકીય વ્યવહાર, દાન પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કચ્છી પાટીદારો સ્થાનિક કાર્યોમાં યોગદાનને વધુ મહત્ત્વ આપે તે વધુ જરૂરી છે. ભુજ સ્વામીનારાયણ મંદિરના પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ સૌને સુખાકારીના આશીર્વાદ આપ્યા હતા. શાસ્ત્રી અક્ષરમુનિદાસજી સ્વામીએ સંગઠનની વાત ઉદાહરણ સાથે સમજાવી હતી. કમ્યુનિટીના મંત્રી સૂર્યકાંત વરસાણી, ઉપપ્રમુખ વેલજીભાઈ વેકરિયાએ કેટલાક અગ્રણીઓનું સન્માન કર્યું હતું. સાંસ્કૃતિ કાર્યક્રમનું શબ્દ સંકલન ભારતી જેસાણીએ કર્યું હતું. આ ઉપરાંત સંતોના હસ્તે કમ્યુનિટીનો વાર્ષિક અંક `ફોર્વડ ટુ ગેધર' વિમોચિત કરાયો હતો અને કમ્યુનિટીના નવા સંકુલની ડિઝાઈન તૈયાર કરનારા આર્કિટેક્ટ શ્રીમાન માર્ટિનનું સન્માન પણ કરાયું હતું. મીડિયાગ્રુપ જન્મભૂમિના તંત્રી દીપકભાઇ માંકડનું વિશેષ સન્માન કાર્યક્રમમાં કરાયું હતું.
આ પ્રસંગે હજારો કચ્છી વાચકોએ વેબસાઇટ સહિતના સુધારા પણ સૂચવ્યા હતા. દીપકભાઈ માંકડે કહ્યું હતું કે, ભુજ સ્વામીનારાયણ મંદિર, લેવા પટેલ હોસ્પિટલના સેવાકાર્યો પ્રેરણાદાયી છે અને બ્રિટનવાસી પટેલોનું પ્રદાન પણ બિરદાવવા લાયક છે. જન્મભૂમિ ગ્રુપના સીઇઓ કુંદનભાઇ વ્યાસના માર્ગદર્શન અને ગ્રુપના ટ્રસ્ટીઓની નીતિ દ્વારા કચ્છમિત્રની લોકપ્રિયતા જળવાઈ છે અને તેમાં વૃદ્ધિ થઈ રહી હોવાનું જણાવ્યું હતું.
સવારના સત્રના ગીતોની તૈયારી હીરૂબહેન ભુડિયાના માર્ગદર્શનમાં થઈ હતી. સંગીત થીમ સાથેના આયોજનમાં વિવિધ બાળમંચ પર સંગીતમય રજૂઆત થઈ હતી. સમાજના નવા બિલ્ડિંગનું પ્લાનિંગ મોડેલ બનાવાયું હતું. જ્ઞાતિજનોએ રાજીપાની લાગણી સાથે સહીઓ દ્વારા સમર્થન આપ્યું હતું.
આમંત્રિત મહેન્દ્ર હાલાઈ (મોમ્બાસા), ટ્રસ્ટીઓ લક્ષ્મણભાઈ કેરાઈ (કર્નટોક), કલ્યાણભાઈ વેકરિયા, વિલ્સડન મંદિરના પ્રમુખ કુંવરજી અરજણ કેરાઈ, વરિષ્ઠ અગ્રણી કે. કે. જેસાણી, ભુજ સમાજના સ્થાપક ધનજીભાઈ ભંડેરી હાજર હતા. દેવશીભાઈ હાલાઈ, નાઈરોબી સમાજના પ્રમુખ આર.ડી. વરસાણી, લક્ષ્મણભાઈ રાઘવાણીએ સમાજના પ્રેરણાદાયી કાર્યોને શુભેચ્છા આપી હતી. ૧૨ વર્ષથી નીચેના તમામ બાળકોને લંચબોક્સ અપાયાં હતાં. નોર્થોલ્ટ સેન્ટર (લંડન)માં જ થનારી યુરોપની સૌથી મોટી નવરાત્રિ માટે પણ લોકોને આ કાર્યક્રમમાં જ આમંત્રણ અપાયું હતું.
સક્રિય કાર્યકરો
વિલ્સડન મંદિરના મંત્રી શિવજીભાઈ હીરાણી, કેન્ટનના કાનજી કેરાઈ, સ્ટેનમોર રિકિન કેરાઈ, જાદુભાઈ, બળદિયા સર્વોદયના વી. એમ. હીરાણી, ઈન્દિરા વેકરિયા, જાદુભાઈ ગાજપરિયા, ધીરુભાઈ વેકરિયા, યુકે કમ્યુનિટીના વિનોદ હાલાઈ, વિનોદ ગાજપરિયા, પેટ્રન શશીકાંત વેકરિયા, અબજીબાપા છતરડીના કાર્યકરો, યુકેના તમામ કચ્છ સત્સંગ સંલગ્ન સ્વામીનારાયણ મંદિરના સર્વે કાર્યકરો, ચોવીસીના ગામેગામના તમામ સભ્યોએ સહિયારા પુરુષાર્થે સમાજપ્રેમ દાખવ્યો હતો.
યુકે કમ્યુનિટી પ્રમુખ માવજી વેકરિયાએ સફળતાનો યશ સૌને આપતાં ભુજ મંદિરના મહંત પુરાણી ધર્મનંદનદાસજી, સ્વામી કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગત, પુરાણી પ્રેમપ્રકાશદાસજી સ્વામી, ભુજ સમાજ પ્રમુખ હરિભાઈ હાલાઈ, અરજણભાઈ પીંડોરિયા તથા ભુજ સમાજની ત્રણેય પાંખોને પરોક્ષ રીતે યશના સહભાગી ગણાવ્યા હતા. પ્રદર્શન સહિતના વિભાગોમાં હરીશ વાઘડિયા, રવિ વરસાણી, અવિનાશ હીરાણી, દેવેન્દ્રભાઈ, દીપેશ, ભરત વેકરિયાની નોંધ લેવાઈ હતી.