લંડનઃ અગ્રણી ઈન્સ્યુરન્સ કંપની ધ ન્યૂ ઈન્ડિયા એસ્યોરન્સ (NIA) દ્વારા તેના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરુપે લંડનની વોશિંગ્ટન મેફેર હોટેલ ખાતે ૧૫ નવેમ્બરે કોકટેલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટી તેમના ઈન્સ્યુરન્સ/રીઈન્સ્યુરન્સ બ્રોકર્સ, MGA, બેન્ક્સ અને અન્ય સર્વિસ પ્રોવાઈડર્સ માટે યોજાઈ હતી, જ્યાં કંપનીની નવી એક્ઝિક્યુટિવ મેનેજમેન્ટ ટીમનો પરિચય પણ કરાવાયો હતો.
ધ ન્યૂ ઈન્ડિયા એસ્યોરન્સની સ્થાપના ટાટા જૂથ દ્વારા ૧૯૧૯માં કરવામાં આવી હતી અને તેનું હેડક્વાર્ટર્સ ભારતના મુંબઈમાં આવેલું છે. કંપની વિશ્વના ૨૮ દેશમાં કામગીરી ધરાવે છે. ભારતમાં વીમાક્ષેત્રે પ્રણેતા અને ટ્રેન્ડસેટર કંપની ૧૫ ટકાનો બજારહિસ્સો ધરાવે છે. વિશ્વમાં ૨૮ દેશમાં કાર્યરત NIA વિશ્વભરમાં ૨૦,૦૦૦ કર્મચારીઓ સાથે તેની ૨,૪૫૬ ઓફિસના નેટવર્ક મારફત ૧૨ મિલિયનથી વધુ કસ્ટમર્સને સેવા આપે છે.
કંપની મજબૂત નાણાકીય સ્થિતિ ધરાવે છે અને A.M.Best દ્વારા તેને A-(Excellent) (Positive Outlook)નું તેમજ CRISIL દ્વારા AAA/Stable રેટિંગ અપાયેલું છે. તેની કામગીરી લંડનની બહાર અને ઈપ્સવીચમાં ૧૯૨૦થી ચાલી રહી છે. કંપનીના યુકે ઓપરેશન્સમાં ગ્રોસ રિટન પ્રીમિયમ મનાણાકીય વર્ષ ૨૦૧૭-૨૦૧૮માં વધીને ૧૫૯ મિલિયન પાઉન્ડથી પણ વધી ગયું છે. ગત થોડા વર્ષો દરમિયાન કંપનીની યુકે શાખા વિકાસ અને નફાકારકતાની દષ્ટિએ સતત સારી કામગીરી બજાવી રહી છે.