લંડનઃ લેબર પાર્ટી સંચાલિત ટાવર હેમ્લેટની માફક જ ન્યૂ હામ કાઉન્સિલમાં પણ આપખુદશાહી સિસ્ટમ ચાલી રહી છે. રહેવાસીઓની વિનંતીઓ અને હેતુઓને જરા પણ લક્ષમાં લીધા વિના મેયર રોબિન વેલ્સ હેઠળ કાઉન્સિલનું વોટ બેન્ક રાજકારણ સમુદાયના સામાન્ય લોકોના જીવનને બાન લઈ રહ્યું છે. ન્યૂ હામ કાઉન્સિલે ૧૯ ડિસેમ્બરે અપ્ટોન કોમ્યુનિટી એસોસિયેશન યુઝર ગ્રૂપના કોમ્યુનિટી સેન્ટરને તાળા લગાવી દીધા છે. કાઉન્સિલના આપખૂદ નિર્ણય સામે ૨૪ જાન્યુઆરીએ શાંતિપૂર્ણ દેખાવો કરવામાં આવ્યા હતા.
કાઉન્સિલે કોઈ આગોતરી નોટિસ અથવા વપરાશકારો સાથે પરામર્શ કર્યા વિના અપ્ટોન કોમ્યુનિટી સેન્ટર મનસ્વીપણે બંધ કરી દેવાથી વિવિધ હિન્દુ જૂથો દ્વારા ચલાવાતી અનેક પ્રકારની પ્રવૃત્તિઓ ઠપ થઈ ગઈ છે. આ સેન્ટરમાં પ્રી-સ્કૂલ લેન્ગ્વેજ, ફીલોસોફી, લીનિયર સિટીઝન ક્લબ્સ, યુવા સંપર્ક કાર્યક્રમો, યોગ અને સ્વાસ્થ્ય પ્રવૃત્તિઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, એક્યુપ્રેશર સહિત અન્ય ઘણી પ્રવૃત્તિઓ ચલાવાતી હતી.
ન્યૂ હામ કાઉન્સિલે સેન્ટર બંધ કરવા માટે હીટિંગ સમસ્યાનું કારણ આગળ ધર્યું છે. જોકે, આ સમસ્યા તો ઘણા વર્ષથી છે, તો અચાનક સેન્ટર કેમ બંધ કરાયું તે મુદ્દો છે. કેટલાંક જૂથોને ખચકાટ સાથે અન્ય સ્થળે વ્યવસ્થા આપવામાં આવી છે છતાં લેડીઝ અને વરિષ્ઠ નાગરિક જૂથોને નજરઅંદાજ કરવામાં આવ્યાં છે.