લંડનઃ બ્રિટનના સૌથી મોટી વયના નાગરિકનું બહુમાન ધરાવતા નઝર સિંહે આઠમી જૂને તેમનો ૧૧૧મો જન્મદિન બિયર અને વ્હિસ્કીની ચૂસ્કી સાથે ઉજવ્યો હતો. આ વયે પણ ટકોરાબંધ સ્વાસ્થ્ય ધરાવતા ‘પંજાબ દા પુતર’ નઝર સિંહ પોતાની તંદુરસ્તીનું શ્રેય સ્વસ્થ જીવનશૈલી, ભરપૂર ઊંઘ અને પોતાની મનપસંદ વ્હિસ્કીને આપે છે.
સત્તાવાર રેકોર્ડ પ્રમાણે નઝર સિંહનો જન્મ ૮ જૂન, ૧૯૦૪ના રોજ ભારતના પંજાબમાં થયો હતો. તેમણે પોતાના જીવનમાં અનેક સારી-નરસી ઘટનાઓ નિહાળી છે. તેઓ બે વિશ્વ યુદ્ધ, ટાઇટેનિક દુર્ઘટના, ચંદ્રયાનનું અવતરણ, કલર ટીવીની શોધ જેવી અનેક ઘટનાઓના સાક્ષી છે. આ ઉપરાંત તેમની નજરની સામે જ આધુનિક કાર, મોબાઇલ ફોન, કમ્પ્યુટર, ઇન્ટરનેટનો જન્મ થયો છે. મહિલાઓને મતાધિકાર, નાઝીવાદી જર્મનીનું પતન, સોવિયેત યુનિયનનું વિસર્જન જેવી અનેક ઘટનાઓએ તેમની હયાતીમાં સાકાર થઈ છે.
નઝર સિંહને તેમના ૧૦૦મા જન્મદિન નિમિત્તે નામદાર મહારાણી એલિઝાબેથ-દ્વિતીય તરફથી પત્ર મળ્યો હતો, ત્યારથી દર વર્ષે તેમને એક શુભેચ્છા પત્ર પણ આવતો રહે છે અને તેમના ખબરઅંતર પૂછવા માટે વર્ક એન્ડ પેન્શન વિભાગમાંથી નિયમિત ફોન પણ આવે છે.
નઝર સિંહ ૬૦ના દાયકાના મધ્યમાં પંજાબથી ઇંગ્લેન્ડ આવ્યા અને અહીં જ વસી ગયા. તેઓ વોલ્સોલની ફાઉન્ડ્રીમાં કામ પણ કરી ચૂક્યા છે. અહીં તેઓ ૨૫ વર્ષ રહ્યા. આ પછી તેઓ ૧૯૮૯માં સન્ડરલેન્ડમાં નિવૃત્ત થયા. નઝર સિંહને શરીરમાં ક્યારેય કોઇ સર્જરી કરાવવાની જરૂર પડી નથી. તેમને આ ઉંમરે પણ સાંભળવામાં કોઇ તકલીફ પડતી નથી. આ ઉપરાંત તેમના કેટલાક દાંત પણ અગાઉની જેમ મજબૂત છે. તેઓ દરરોજ દૂધ પીવાનું, બદામના તેલમાં બનેલું ભોજન અને નિયમિત ફળફળાદિ ખાવાનું પસંદ કરે છે. થોડા સમય પહેલા ઇન્ફેક્શન થઇ જવાથી તેમની તબિયત ગંભીર બની ગઇ હતી, પરંતુ બાદમાં તેઓ સાજાનરવા થઇ ગયા હતા.
તેમના ૬૨ વર્ષીય પુત્ર ચૈન સિંહ ગિલ કહે છે કે, ‘તેઓ ક્યારેય જંક ફૂડ ખાતા નથી અને તેથી જ આટલા તંદુરસ્ત છે. અમે જ્યારે પણ ફોન પર તેમની સાથે વાત કરીએ છીએ ત્યારે તેઓ એકદમ જુસ્સામાં હોય છે.’
નઝર સિંહના પરિવારનો વડલો નવ પુત્ર અને પુત્રીઓ, ૩૪ પૌત્ર અને પૌત્રીઓ તેમ જ ૬૪ પ્રપૌત્ર-પ્રપૌત્રીઓમાં ફેલાયેલો છે. આજથી ૭૦ વર્ષ પહેલા તેમના લગ્ન નરજન કૌર સાથે થયા હતા, તેમનું ૧૨ વર્ષ પહેલા ૯૦ વર્ષની ઉંમરે અવસાન થયું હતું.
‘ગુજરાત સમાચાર’ નઝર સિંહને જન્મદિન અને તંદુરસ્ત સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવે છે.