લંડનઃ પંજાબના સિંહ તરીકે પ્રસિદ્ધ શીખ મહારાજા રણજીતસિંહના પત્ની જીંદાન કૌરનો નેકલેસ ગત મંગળવાર, ૨૩ ઓક્ટોબરે લંડનમાં યોજાયેલી તીવ્ર સ્પર્ધાવાળી હરાજીમાં ૧૮૭,૦૦૦ પાઉન્ડ ( ૧.૭૮ કરોડ રૂપિયા)માં વેચાયો હતો. મહારાજાના અંતિમ અને સતી નહિ થયેલા એકમાત્ર પત્ની કૌરના હારની મહત્તમ અંદાજિત કિંમત ૮૦,૦૦૦થી ૧૨૦,૦૦૦ પાઉન્ડ વચ્ચે આંકવામાં આવી હતી. લંડનમાં ‘બોનહોમ્સ ઇસ્લામિક અને ઇન્ડિયન આર્ટ સેલ’ હરાજીના એક ભાગરૂપે લાહોર ટ્રેઝરી પૈકીનો એક આ હાર હતો.
ઓક્શન હાઉસે જણાવ્યા અનુસાર બ્રિટિશ શાસનકાળ દરમિયાનના ભારતીય રજવાડાઓના સમયની અનેક વસ્તુઓની હરાજીમાં કુલ ૧,૮૧૮,૫૦૦ પાઉન્ડના અલભ્ય ઝવેરાતનું વેચાણ થયું હતું, ઇન્ડિયન એન્ડ ‘બોનહોમ્સ ઇસ્લામિક આર્ટ’ના બોનહામ્સ વડા ઓલિવર વ્હાઈટે જણાવ્યું હતું કે,‘‘અત્યંત સફળ વેચાણમાં શીખ ખજાનો સૌથી અલગ રહ્યો હતો અને લાહોર ટ્રેઝરીમાંથી લેવાયેલો આ હાર સૌથી આગળ રહ્યો હતો. એક સમયે આ હાર અત્યંત બહાદૂર અને હોંશિયાર મહારાણી કૌરના ગળાની શોભા હતો. અત્યંત ઊંચી કિંમત હરાજી રૂમ, ફોન અને ઇન્ટરનેટ પરની ભારે ચડસાચડસીનું પ્રતિબિંબ પાડે છે’
પાંચ વર્ષના પુત્ર અને પંજાબના રાજા જાહેર કરાયેલા દુલીપસિંગના રખેવાળ તરીકે ૧૮૪૩માં મહારાણી કૌરે બ્રિટિશ આક્રમણનો સામનો કર્યો હતો. જોકે, અંતે તેમને પકડી લઈ જેલમાં પૂરી દેવાયાં હતાં. આ પછી કાઠમંડુ ભાગી ગયેલાં કૌરને નેપાળના રાજાએ નજરકેદમાં રાખ્યાં હતાં. અંતે તેઓ ઇંગ્લેન્ડ જતા રહ્યાં જ્યાં તેમના પુત્ર સાથે તેમનું પુનઃ મિલન થયેલું અને તેમના કિમતી ઝવેરાત પણ પાછું મળ્યું હતું, જે ખજાનામાં આ હારનો પણ સમાવેશ થતો હતો.
મહારાજાની વેચાણમાં મૂકેલી અન્ય વસ્તુઓમાં સોનાના તારથી મઢેલા તીર કામઠાંનો પણ સમાવેશ થતો હતો. જેની કિંમત ૧૦૦,૦૦૦ પાઉન્ડ ઉપજી હતી.