લંડનઃ બ્રિટિશ મ્યુઝિયમની એશિયા ગેલેરીઝના તબક્કાવાર નવીનીકરણના ભાગરુપે વિખ્યાત સિતારવાદક પંડિત રવિશંકર ૧૯૬૦ના દાયકામાં જે સિતાર વગાડતા હતા તેને શનિવાર ૧૦ નવેમ્બરે લોકદર્શનમાં મૂકાશે. તેને હિન્દુ દેવતાઓની પ્રાચીન મૂર્તિઓની સાથે રખાશે અને તેનાથી ૨૦મી અને ૨૧મી સદીમાં ભારતીય સંસ્કૃતિનું વૈશ્વિકીકરણ થયું હતું તેની જાણ લોકોને થશે. ભારતની સ્વતંત્રતાની ૭૦મી વર્ષગાંઠ અને ઈન્ડિયા-યુકે યર ઓફ કલ્ચર નિમિત્તે મ્યુઝિયમમાં જાણીતા શિલ્પકાર મૃણાલિની મુખરજી, ભારતીય ફિલ્મનિર્માતા સત્યજિત રાય અને નવલકથાકાર, ચિત્રકાર અને કવિવર રવિન્દ્રનાથ ટાગોરની કૃતિઓ પણ પ્રદર્શનાર્થે રખાશે.
ભારતીય સિતારવાદકની આ સિતાર તેમની પત્ની સુકન્યા તેમજ પુત્રી અને સિતારવાદક અનુષ્કા શંકર દ્વારા મ્યુઝિયમને દાનમાં અપાઈ છે. પંડિત રવિશંકરની અન્ય પુત્રી યુએસની ગાયિકા નોરાહ જોન્સ છે, જેની માતા સાથે પંડિતજીને સંબંધ હતો. ધ બીટલ્સના ગિટારવાદક જ્યોર્જ હેરિસને ભારતમાં પંડિતજી પાસે અભ્યાસ કર્યો હતો અને ૧૯૭૧માં બાંગલાદેશના લાભાર્થે બે કોન્સર્ટમાં પંડિતજી સાથે જુગલબંધી પણ કરી હતી. પંડિત રવિશંકરની ૭૫મી વર્ષગાંઠે તેણે ચાર સીડી આલ્બમના નિર્માણમાં સાથ આપ્યો હતો. હેરિસને ૧૯૯૭માં પંડિતજીનું ‘ચાન્ટ્સ ઓફ ઈન્ડિયા’ આલ્બમ તૈયાર કર્યું હતું, જેમાં ભારતીય શાસ્ત્રીય વાદ્યો અને પાશ્ચાત્ય વાદ્યોનો સમન્વય કરાયો હતો.
હેરિસને પંડિતજીની આત્મકથા રાગમાલા (૧૯૯૯)નું સંપાદન કર્યું હતું અને તેમને ‘વિશ્વ મ્યુઝિકના ગોડફાધર’ ગણાવ્યા હતા. બ્રિટિશ મ્યુઝિયમના સાઉથ અને સાઉથઈસ્ટ એશિયા સેક્શનના વડા રિચાર્ડ બર્ટને કહ્યું હતું કે રવિશંકરના કારણે ભારતીય સંગીતને પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ છે.