લંડનઃ ફર્ટિલિટી ટ્રીટમેન્ટના પરિણામે જન્મેલા બાળક બાબતે પતિ સાથે છેતરપીંડી કરનારી પૂર્વ પત્નીએ બાળક પાછળ નિર્વાહ અને કાનૂની ખર્ચ તરીકે £૧૦૦,૦૦૦ ચુકવવા પડશે. સેન્ટ્રલ લંડન કાઉન્ટી કોર્ટમાં ચાલેલી ટ્રાયલ પછી જજ ડેબોરાહ ટેલરે ચુકાદામાં જણાવ્યું હતું કે ફર્ટિલિટી ટ્રીટમેન્ટથી જન્મેલું બાળક પતિનું હોવાનું માનવા પત્નીએ પ્રેર્યો હતો.વાસ્તવમાં બાળકનો જન્મ તેના પૂર્વ બોયફ્રેન્ડના શુક્રાણુથી થયો હોવાનું ડીએનએ પરીક્ષણમાં સાબિત થયું હતું. જજે £૪૦,૦૦૦ નુકસાન તેમ જ કાનૂની ખર્ચના £૬૦,૦૦૦ ચુકવી આપવા પત્નીને ફરમાવ્યું હતું. ઉલ્લેખનીય બાબત એ છે કે લેક્ચરર પતિએ અગાઉ માત્ર £૧૨,૫૦૦માં સમાધાન કરવાની ઓફર મૂકી હતી, જે પૂર્વ પત્નીએ નકારી કાઢી હતી. બન્ને વચ્ચે ૨૦૦૮માં ડાઈવોર્સ ફાઈનલ થયા હતા અને બાળકનો જન્મ ૨૦૦૫ના ઉત્તરાર્ધમાં થયો હતો.