લંડનઃ સરેની ગિલ્ડફર્ડ ક્રાઉન કોર્ટે ભારતીય મૂળના નિવૃત્ત બેંકર સંજય નિઝવાન (૪૬)ને તેની પત્ની સોનિતા (૩૮)ની હત્યા કરવા બદલ લઘુતમ ૯ વર્ષ અને ૧૭૨ દિવસ સાથે આજીવન કેદની સજા ફરમાવી છે. ગત મેમાં સાઉથ ઈંગ્લેન્ડના સરેના નિવાસેથી સોનિતાનો મૃતદેહ મળી આવ્યો હતો. અગાઉ, આ હુમલાના થોડા મહિના પહેલા સંજય ડિપ્રેશન અને એન્ક્ઝાઈટીથી પીડાતો હોવાની રજૂઆતને લીધે તેને દોષિત ઠેરવાયો ન હતો.
સંજયને ૧૦ ઓક્ટોબરે સજા સંભળાવવાની હતી. પરંતુ, જજ ફ્રેઝરે તેની માનસિક હાલતના રિપોર્ટ માટે આદેશ કરતા વિલંબ થયો હતો. જજે જણાવ્યું હતું કે ખોપરીના નાજુક ભાગની તપાસના તારણ સહિત સંજયે વહેલી સવારે હત્યાની યોજના ઘડી હોવાના પૂરાવા પણ છે..
પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ માથા અને ગળા પર થયેલી ઈજાથી સોનિતાનું મૃત્યુ થયું હતું. તેને ગળા પર ૨૪ ઘા સહિત ૧૨૪ ઈજા થઈ હતી અને હાથ પર થયેલી ઈજાને લીધે તેણે બચવાનો પ્રયાસ કર્યો હોવાનું જણાતું હતું.
સંજયે ડિપ્રેશનને લીધે બાર્ક્લેઝ કેપિટલ વેલ્થની જોબ પણ છોડી હતી. સોનિતાને ડિવોર્સ જોઈતાં હોવાથી પણ તે વ્યથિત હતો. સરેના ૨.૬ મિલિયન પાઉન્ડના ઘરના ૬,૭૦,૦૦૦ પાઉન્ડના મોર્ગેજને લીધે પણ તે ચિંતિત હતો. સંજયે પત્નીની હત્યા કર્યાનો ઈનકાર કર્યો હતો. બચાવ પક્ષે સંજયની માનસિક હાલત અસ્વસ્થ હોવાની રજૂઆત કરી હતી.