લંડનઃ મહાન કર્ણાટકી ગાયક પદ્મવિભૂષણ ડો. મંગલમપલ્લી બાલામુરલીકૃષ્ણને શ્રદ્ધાંજલિ અર્પવા વાયોલિન કલાકાર એલ. નાગરાજુ અને પ્રભાકર કાઝા દ્વારા શનિવાર, ત્રીજી ડિસેમ્બરે પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું, જેમાં ૧૨૫થી વધુ લોકો ઉપસ્થિત હતા. ડો. બાલામુરલીકૃષ્ણનું ૨૨ નવેમ્બરે ચેન્નાઈમાં નિધન થયું હતું. તેઓ ૮૬ વર્ષના હતા.
તેમણે કર્ણાટકી ગાયકી થકી ૭૫ વર્ષ સુધી સ્ટેજ પર લોકોના દિલ ડોલાવ્યા હતા. તેઓ માત્ર ગાયક નહિ, સંગીતકાર, વિવિધ વાદ્યોના વાદક, પાર્શ્વગાયક, કમ્પોઝર અને ચરિત્ર અભિનેતા પણ હતા. સંગીતક્ષેત્રમાં તેમના અનન્ય પ્રદાનને સન્માની ૧૯૯૧માં પદ્મવિભૂષણ એવોર્ડ એનાયત કરાયો હતો. તેમણે વિશ્વભરમાં ૨૫,૦૦૦થી વધુ કોન્સર્ટ આપ્યા હતા. તેમણે માતૃભાષા તેલુગુ ઉપરાંત, તમિળ, કન્નડ, મલયાલમ, સંસ્કૃત, હિન્દી, બંગાળી અને પંજાબી ભાષામાં પણ ગીતો ગાયા હતા. તેમના નામે ૪૦૦થી વધુ સંગીતરચના બોલે છે.
આ પ્રસંગે પ્રભાકર કાઝા, સંતનામ સ્વામીનાથન, કરાઈકુડી કૃષ્ણામૂર્તિ, જગથીશ્વરન પિલ્લાઈ અને શ્રીમતી ગીથા કાઝાએ પ્રસંગોચિત સંબોધનો કર્યાં હતાં. ભારતીય વિદ્યાભવન, લંડનના ડિરેક્ટર ડો. નંદકુમારે ભવનમાં અનેક વખત રોકાણ કરનારા અને વિદ્યાર્થીઓને શીખવાનારા ડો. બાલામુરલીકૃષ્ણ સાથેના વિસ્મરણીય અનુભવોનું વર્ણન કર્યું હતું. કાર્યક્રમનું કોમ્પીઅરિંગ ડો. ભાનુ સિસ્ટલા અને વિડિયોગ્રાફી આદિત્ય કાઝા દ્વારા કરાયું હતું.