લંડનઃ ‘વિસર્જિત’ પાર્લામેન્ટની ઓનર યાદીમાં લિબરલ ડેમોક્રેટ્સના પરાજિત કેબિનેટ મિનિસ્ટર્સ વિન્સ કેબલ અને ડેની એલેકઝાન્ડરનું નાઈટહૂડ માટે નોમિનેશન કરાયું છે. ઉલ્લેખનીય છે કે મે મહિનાની સામાન્ય ચૂંટણીમાં પરાજય પછી આ બે મિનિસ્ટરે ઉમરાવપદ માટે ઈનકાર કર્યો હતો. વડા પ્રધાન ડેવિડ કેમરન ૩૫ નવા ટોરી ઉમરાવની નિયુક્તિ કરવાના છે તેમાં કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઈઝરાયલ (CFI)ના વડા સ્ટુઅર્ટ પોલાક અને બે ગવર્મેન્ટ સહાયકને પણ સ્થાન મળવાની શક્યતા છે.
ચૂંટણીમાં ટ્વિકનહામ બેઠક ગુમાવ્યા પછી ૭૨ વર્ષના વિન્સ કેબલ નેશનલ ડાન્સ ચેમ્પિયનશિપમાં ભાગ લેવાના છે. તેમણે નવું પુસ્તક પણ લખ્યું છે. જ્યારે ટ્રેઝરીના ચીફ સેક્રેટરી ડેની એલેકઝાન્ડરે રાજકારણમાં પાછા ફરવાનું નકાર્યુ નથી. લિબ ડેમના પૂર્વ નેતા નિક ક્લેગના ગાઢ મિત્ર અને ફિલ્મ-ટેલિવિઝન પ્રોડ્યુસર પિપા હેરિસને પૂર્વ લિબ ડેમ સાંસદ એનેટ બ્રૂકની સાથે ડેમહૂડ માટે નોમિનેટ કરાયાં છે. પિપા હેરિસ ફિલ્મ ડિરેક્ટર સામ મેન્ડીસના બિઝનેસ પાર્ટનર છે.
કન્ઝર્વેટિવ પાર્ટી માટે નાણા એકત્ર કરનાર CFI ના ડિરેક્ટર અને લોબીઈસ્ટ સ્ટુઅર્ટ પોલાક વેલ્ફેર સેક્રેટરી ઈયાન ડંકન સ્મિથના સહાયક ફિલિપ્પા સ્ટ્રાઉડ અને ટ્રેડ મિનિસ્ટર ફ્રાન્સિસ મૌડના સ્પેશિયલ એડવાઈઝર સિમોન ફિનની સાથે લોર્ડ્સમાં પ્રવેશ મેળવે તેવી ધારણા છે. યુનિવર્સિટી કોલેજ લંડનના સંશોધકોના વિશ્લેષણ અનુસાર લોર્ડ્સમાં બહુમતી વિના શાસન કરનારા પ્રથમ કન્ઝર્વેટિવ નેતા કેમરન કોઈ પણ પૂર્વ વડા પ્રધાનની સરખામણીએ વધુ ઝડપે ઉમરાવો બનાવી રહ્યા છે.