લંડનઃ બ્રિટનમાં પાંચમાંથી એક અથવા તો ૧૯ ટકા બ્રિટિશ મુસ્લિમ બ્રિટન છોડી યુદ્ધ માટે સીરિયા જનારા યુવાન લડવૈયાઓ પ્રત્યે સહાનુભૂતિપૂર્ણ વલણ ધરાવતા હોવાનું ઓપિનિયન પોલના તારણો જણાવે છે. ૧૮થી ૩૪ વયજૂથના મુસ્લિમોમાં આ સપોર્ટનો દર ચારમાંથી એક મુસ્લિમ જેટલો ઊંચો છે. ૧,૦૦૦ બ્રિટિશ મુસ્લિમોના ધ સર્વેશન સર્વે અનુસાર માત્ર ૧૯ ટકાએ ઈરાકથી સીરિયા સુધી ઈસ્લામિક સ્ટેટ પરનો બોમ્બમારો વિસ્તારવામાં ડેવિડ કેમરન સાચા હોવાનું જણાવ્યું હતું. જોકે, ટીકાકારોએ આ પોલની વિશ્વસનીયતા સામે પ્રશ્ન ઉઠાવ્યો છે.
આ તારણો જાહેર થયા પછી ૨૦૦ ઈસ્લામિક વિદ્વાનોના જૂથે ધ ટાઈમ્સને લખેલા પત્રમાં સ્પષ્ટ કર્યું હતું કે, ‘કથિત ઈસ્લામિક સ્ટેટ એક અનિષ્ટ અને કોઈ પણ સમાજમાં શાંતિ અને સંવાદિતા માટે મૂળભૂત ધમકી’ હોવાની માન્યતામાં તેઓ અડગ છે. આ જૂથે પેરિસના હુમલાને વખોડી ઈસ્લામના નામે આચરાતી હિંસા પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું હતું.
આ તારણો વિદેશમાં લડાતાં યુદ્ધો અંગે બ્રિટિશ મુસ્લિમોના ટેકામાં ઘટાડો થયો હોવાનું સૂચવે છે. માર્ચમાં સ્કાય ન્યૂઝ માટે કરાયેલા પોલમાં ૨૮ ટકા બ્રિટિશ મુસ્લિમોએ વિદેશમાં લડવા જતા યુવાન મુસ્લિમો તરફ સહાનુભૂતિ દર્શાવી હતી. બીબીસી દ્વારા ફેબ્રુઆરીમાં ૧,૦૦૦ લોકોનાં કરાવાયેલા ComRes પોલમાં જણાયું હતું કે માત્ર આઠ ટકા મુસ્લિમો IS અને અલ-કાયદા માટે લડતા લોકો તરફે તીવ્ર સહાનુભૂતિ ધરાવનારા વિશે જાણતા હતા.