લંડનઃ બ્રિટનમાં રોજ ૧૬૫ મિલિયન કપ ચા પીવાય છે છતાં મોટા ભાગના એટલે કે પાંચમાંથી ચાર બ્રિટિશરને સારી ચા બનાવતા આવડતી ન હોવાનું યુનિવર્સિટી કોલેજ લંડનના વિજ્ઞાનીઓ કહે છે. તેમના અભ્યાસ અનુસાર ચાની વિશિષ્ટ સુગંધ આવે તેટલો લાંબો સમય ચાના પાંદડા બરાબર ઉકાળવામાં આવતાં નથી કે પલાળવા દેવાતાં નથી. ચા બનાવનારા અને તેનો સ્વાદ માણનારા લોકો માટે આ સંશોધન આઘાતજનક છે.
યુનિવર્સિટી કોલેજ લંડનના સંશોધકો કહે છે કે ચાની પત્તીને પાંચ મિનિટ સુધી પ્રવાહીમાં પલળવા જ દેવી જોઈએ. અત્યારે તો મોટા ભાગના ચા પીનારા માંડ બે મિનિટ સુધી ચાની પત્તી પલળવા દે છે. આના પરિણામે, તેનો સાચો સ્વાદ મળતો નથી. સંશોધકોએ તો મગમાં ટી-બેગ નાખી ઊંચી-નીચી કરવાના બદલે પોટમાં ચાની પત્તી નાખવાની સલાહ આપી છે. પાણીની સાથે ચાની પત્તી ગોળ-ગોળ ફરે અને બરાબર પલળે તે રીતે હલાવે રાખવી જોઈએ. બ્રિટનમાં ૭૫ ટકાથી વધુ લોકો દરરોજ એક કપ ચા અવશ્ય પીએ છે.