લંડનઃ હાઈ સ્ટ્રીટ પરથી 99p સ્ટોર્સ હવે ભૂતકાળની બીના બની જશે કારણ કે ડિસ્કાઉન્ટના બિઝનેસ સામ્રાજ્યને પાઉન્ડલેન્ડે ૫૫ મિલિયન પાઉન્ડમાં ખરીદી લીધું છે. પાઉન્ડલેન્ડના ચીફ એક્ઝીક્યુટિવ જિમ મેક્કાર્થીએ જણાવ્યા અનુસાર યુકેમાં ફેમિલી બાર્ગેઈન્સ સહિતના ૨૫૧ સ્ટોર્સ ધરાવતા આ ફેમિલી બિઝનેસને ખરીદવા £૪૭.૫ મિલિયન રોકડમાં અને £૭.૫ મિલિયન શેર તરીકે ચુકવાશે. આ સોદો યુકેની કોમ્પીટિશન એન્ડ માર્કેટ ઓથોરિટીની બહાલીને આધારિત છે, જેની પ્રક્રિયા બે મહિના ચાલી શકે છે.
આ સોદામાં ૨૦૦૧માં 99p સ્ટોર્સની ચેઈન સ્થાપનારા નાદિર લાલાણીને પાઉન્ડલેન્ડના £૯૭૬ મિલિયનના સામ્રાજ્યમાં એક ટકાથી ઓછો હિસ્સો મળશે. 99p સ્ટોર્સની સ્થાપના ૨૦૦૧માં થઈ હતી અને તેના ૨૦ લાખથી વધુ ગ્રાહકોને સેવા આપે છે. યુકેમાં આવ્યા પછી લાલાણીએ ૨૦૦૫માં વેચી નાખેલી વ્હીસલસ્ટોપ સહિતની બે ચેઈન્સ સ્થાપી હતી.
ગયા વર્ષે લંડન સ્ટોક માર્કેટમાં પ્રવેશ મેળવનાર પાઉન્ડલેન્ડ યુકે, આયર્લેન્ડ અને સ્પેનમાં થઈ ૬૦૦ સ્ટોર્સ ધરાવે છે અને ૧૦૦૦ સ્ટોર્સની સંખ્યાની મહત્ત્વાકાંક્ષા રાખે છે. નવા હસ્તગત કરાયેલાં 99p સ્ટોર્સને પાઉન્ડલેન્ડ નામે રીબ્રાન્ડ કરાશે. પાઉન્ડલેન્ડની સ્થાપના સ્ટીવ સ્મિથ દ્વારા ૧૯૯૦માં થઈ હતી અને મેક્કાર્થીના વડપણ હેઠળ તેના ગ્રાહકોમાં ભારે ઉછાળો આવ્યો છે. આ સોદાના પરિણામે તેના શેરમાં ૧૫.૪ ટકાનો ઉછાળો આવ્યો હતો. સસ્તામાં વસ્તુઓ લેવાના ગ્રાહકોના વલણમાં વધારા સાથે પાઉન્ડલેન્ડ, એલ્ડી અને લિડલ જેવા ડિસ્કાઉન્ટર્સ પ્રણાલિગત ટેસ્કો અને જે સેઈન્સબરી સહિતના રીટેઈલર્સને ભારે હરીફાઈ આપી રહ્યાં છે