લંડનઃ સમગ્ર યુકેમાંથી આવેલા સેંકડો શીખો બુધવાર, ૧૫ જુલાઈએ પાર્લામેન્ટ સ્ક્વેર પાસે વિરોધ પ્રદર્શન માટે એકત્ર થયાં હતાં અને ‘ભારતમાં શીખ રાજકીય કેદીઓ’ની મુક્તિના મુદ્દે બ્રિટિશ સરકાર શું પગલાં લઈ રહી છે તેની જાણકારી માગી હતી. આ દેખાવના મુખ્ય આયોજક ધ શીખ ફેડરેશન યુકેના ઉપક્રમે દેખાવકારોએ પાર્લામેન્ટની બહારના માર્ગો અવરોધ્યાં હતાં અને દાયકાઓથી કેદમાં રખાયેલા શીખ રાજકીય કેદીઓની મુક્તિ માટે માગણી ઉઠાવી હતી.
ધ શીખ ફેડરેશન યુકે દ્વારા ડેવિડ કેમરન, ફોરેન સેક્રેટરી ફિલિપ હેમન્ડને પત્રો લખ્યાં છે. તેમણે ફોરેન અને કોમનવેલ્થ ઓફિસના અધિકારીઓ સાથે મુલાકાત પણ કરી હતી. આયોજકોએ કહ્યું હતું કે, ‘કેટલાંક લોકો તો દાયકાઓથી કેદમાં છે અને ૬૦-૭૦ વયજૂથના છે. આ લોકોની સારી વર્તણૂક ધ્યાનમાં રાખી અને માનવતાવાદી અભિગમ દર્શાવી મુક્ત કરવા જોઈએ.’ આ દેખાવ છ મહિના કરતા વધુ સમયથી ભૂખ હડતાળ પર રહેલા ૮૨ વર્ષીય શીખ કર્મશીલ બાપુ સુરતસિંહ સંબંધે પણ હતા. તેઓ યુએસના રહેવાસી છે અને તેમના યુએસ નાગરિક પુત્ર માટે ભારતમાં ભૂખ હડતાળ પર છે. પોલીસે બે મહિના કરતા વધુ સમય તેની અટકાયત કરી હતી અને હોસ્પિટલમાં પિતાની ખબર કાઢવા ગયો ત્યારે તેના પર અત્યાચાર ગુજાર્યો હોવાનો આક્ષેપ છે.
શીખ ફેડરેશન યુકેએ ઉમેર્યુ હતુ કે, ‘શીખ રાજકીય કેદીઓની યાતના બ્રિટિશ અને સમગ્ર વિશ્વના શીખો માટે લાગણીમય મુદ્દો છે. જો બાપુ સુરતસિંહનું મોત થશે તો વધુ રોષ ઉભો થશે અને ભારતમાં પોલીસ અમાનુષી પદ્ધતિઓ અપનાવશે તેનાથી ગંભીર અશાંતિ પણ સર્જાશે.’