લંડનઃ બ્રિટિશ પાર્લામેન્ટની બહાર સશસ્ત્ર પોલીસે ભરબપોરે કરેલા ગોળીબારથી ભારે અફરાતફરી મચી ગઈ છે. એક કાર દ્વારા વેસ્ટમિન્સ્ટર બ્રિજ પર ઓછામાં ઓછાં ૧૨ લોકોને કચડી નાખ્યાના અહેવાલો મધ્યે પોલીસે હાથમાં ચાકુ લઈ જતા દેખાયેલા એક ઘૂસણખોર પર ગોળીના રાઉન્ડ ચલાવ્યા હતા. વડા પ્રધાન થેરેસા મેને હાઉસ ઓફ કોમન્સમાંથી સલામત સ્થળે લઈ જવાયા હતા તેમજ સાંસદો અને સ્ટાફને ગૃહ નહિ છોડવા જણાવી દેવાયું હતું. પેલેસને તત્કાળ લોક-આઉટમાં મૂકી દેવાયો હતો. ડેપ્યુટી સ્પીકર લિન્ડસે હોઈલ દ્વારા હાઉસ ઓફ કોમન્સને સસ્પેન્ડ કરી દેવાયું હતું. પાર્લામેન્ટ સ્ક્વેરમાં એર એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી.
પાર્લામેન્ટના પ્રાંગણ નજીક ભારે ધડાકો સંભળાયા પછી બપોરના ૨.૩૫ કલાકે ગોળીબાર કરવામાં આવ્યા હતા. પાર્લામેન્ટની બહાર ફ્લોર પર ત્રણ બોડી પડેલા દેખાતા હતા. કેટલાક અહેવાલો અનુસાર આશરે છ વ્યક્તિને કારે ટક્કર મારી હતી. કેટલાક લોકો વેસ્ટમિન્સ્ટર બ્રિજ પર પડેલા દેખાયા હતા. ગોળીબારના અવાજો સંભળાતા લોકોએ ગભરાઈને દોડાદોડ કરી મૂકી હતી.