લંડનઃ ફેરી દ્વારા ફ્રાન્સનો પ્રવાસ કરનારા પરિવારોને વેળાસર રજા માણવા નીકળી જવાની સલાહ ઈમિગ્રેશન મિનિસ્ટર જેમ્સ બ્રોકેનશાયરે આપી છે. આગામી મહિને ડોવર પોર્ટ ખાતે નવા એક્ઝિટ ચેક્સ લાગુ થવાના હોવાથી પાંચ માઈલની કતારમાં ઉભાં રહેવાનું આવે તેવી ચેતવણીઓ ફેરી કંપનીઓ દ્વારા અપાઈ છે. દેશ છોડી જનારા લોકોના પાસપોર્ટ્સની તપાસ પણ ડોવર પોર્ટ્સના સ્ટાફ દ્વારા હાથ ધરાશે.
યુકે ચેમ્બર ઓફ શિપિંગ (UCS) દ્વારા ચેતવણી અપાઈ છે કે આઠ એપ્રિલે એક્ઝિટ ચેક્સનો અમલ શરુ થવાનો હોવાથી ડોવર પોર્ટ ખાતે ટ્રાફિકની અરાજકતા સર્જાશે અને A20 માર્ગ પર કેન્ટના ફોકસ્ટોન સુધી ટ્રાફિક અવરોધાશે. સંપૂર્ણ ચેકિંગ અમલી બને ત્યારે પોર્ટ ખાતે વધુપડતી કતારો હળવી બનાવવા કોઈ યોજના ઘડાઈ નહોવાનું જણાવી UCS દ્વારા હોમ ઓફિસની ભારે ટીકા કરાઈ છે. ભીડ અને કતારો ઘટાડવા ચેકિંગ હળવું કરવાનો નિર્ણય દર વખતે ઈમિગ્રેશન મિનિસ્ટર અથવા હોમ ઓફિસના અધિકારીઓએ લેવો પડશે.
ખરેખર તો એક્ઝિટ ચેક્સનો અમલ માર્ચના અંતે શરુ થવાનો હતો, પરંતુ લોકો ઈસ્ટરની રજાઓ માણવા જાય ત્યારે પોર્ટ્સ પર અરાજકતા સર્જાવાના ભયે હોમ ઓફિસે અમલમાં વિલંબ કર્યો છે. હોમ સેક્રેટરી થેરેસા મેએ જણાવ્યું હતું કે પ્રવાસીઓને સૌથી ઓછી હેરાનગતિ થાય તે રીતે એક્ઝિટ ચેક્સનો અમલ કરવા સરકારે શિપિંગ ઈન્ડસ્ટ્રી સાથે મળી કાર્યવાહી કરી હતી.