લંડનઃ વેલ્સની સ્કૂલગર્લ અમીના અલ-જાફરીને વેસ્ટર્ન લાઈફસ્ટાઈલના વિરોધી પિતા મોહમ્મ્દ અલ-જાફરીએ સાઉદી અરેબિયાના જેદ્દાહમાં છેલ્લા ચાર વર્ષથી ઘરમાં પાંજરામાં કેદ રાખી હોવાનું હાઈ કોર્ટના ફેમિલી ડિવિઝનને જણાવાયું હતું. અમીનાનું વર્તન બિન-ઈસ્લામિક હોવાનો પિતાનો આક્ષેપ છે. સાઉદી અરેબિયાના સત્તાવાળાઓએ અમીનાની બ્રિટિશ નાગરિકતાને માન્ય રાખવા ઈનકાર કર્યો છે.
સ્વાન્સીમાં જન્મેલી અમીના ૧૬ વર્ષની થઈ ત્યારે તેની વેસ્ટર્ન લાઈફસ્ટાઈલ સામે વાંધો ઉઠાવીને પિતા સાઉદી અરેબિયા લઈ ગયા હતા અને ત્યારથી તેને ઘરમાં કેદ રાખી છે. પિતા ઘરની બહાર જાય ત્યારે ૨૧ વર્ષીય અમીનાને પાંજરામાં પૂરીને જાય છે. તેને શારીરિક ત્રાસ અપાય છે, ખાવા-પીવા પણ અપાતું નથી અને પસંદગીના યુવક સાથે પરણવાની તેને મંજૂરી ન હોવાની માહિતી કોર્ટને અપાઈ હતી.
જેદ્દાહની કિંગ અબ્દુલઅઝીઝ યુનિવર્સિટીમાં ફરજ બજાવતા ૬૨ વર્ષીય મોહમ્મદ અલ-જાફરીને પુત્રીને બ્રિટન પાછી મોકલવા કોર્ટ દ્વારા આદેશની કાર્યવાહીનો વિરોધ કરવા સાઉદી સરકાર તરફથી નાણાં મળે છે.
નવ સંતાનોના પિતા મોહમ્મ્દ અમીનાના જન્મ પહેલા વેલ્સ આવ્યા હતા. બેનિફિટ્સ મેળવતા પરિવારના બાળકોએ બ્રિટિશ સ્કૂલ અને યુનિવર્સિટીમાં શિક્ષણ મેળવ્યું હતું.