પૂજ્ય શ્રી રામબાપાનો ૯૬મો જન્મદિન દેશભરમાંથી આવેલા ૨,૫૦૦થી વધુ ભક્તોની ઉપસ્થિતિમાં તેમની આજીવન સેવા અને ઉપાસના પ્રત્યે શ્રદ્ધા અને આદરભાવની અભિવ્યક્તિ સાથે ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. સાઉથ હેરોના ધર્મેચા લોહાણા સેન્ટર ખાતે તેમના ઐતિહાસિક જન્મદિવસ નિમિત્તે ભક્તો અને મંડળીઓ દ્વારા ‘મહામંત્ર’ ‘હરે રામ હરે કૃષ્ણ’ની નવ કલાકની અખંડ ધૂન કરવામાં આવી હતી.આ પ્રસંગે શોભામાં અભિવૃધ્ધિ માટે અનૂપમ મિશનના પૂજ્ય જશભાઈ સાહેબ, ગુજરાત સમાચારના તંત્રી શ્રી સીબી પટેલ, શ્રી રમણિકભાઈ દવે, શ્રી રાજુભાઈ શાસ્ત્રી અને સ્વામિનારાયણ મંદિર, નીસ્ડનના સંતો સહિત અનેક સંતો અને ગુરુ હાજર રહ્યા હતા. સાંસદ ગેરેથ થોમસ, હેરોના મેયર રેખાબહેન શાહ, લંડન એસેમ્બલીના મેમ્બર કાઉન્સિલર નવિનભાઈ શાહ સહિત મહાનુભાવો અને હિંદુ કાઉન્સિલના પ્રમુખ ઉમેશ શાહ તથા સેક્રેટરી જનરલ સંજય જગતિયા અને સનાતન મંદિર (વેમ્બલી), રામ મંદિર (સાઉથોલ), વિશ્વ હિંદુ કેન્દ્ર (સાઉથોલ), જલારામ મંદિર (ગ્રીનફર્ડ), બ્રહ્મા કુમારીઝ (લંડન) અને સાધુ વાસવાણી સેન્ટર (લંડન) સહિત ઘણાં મંદિરોના પ્રતિનિધિઓ તેમજ વિલ્સડન અને હેરો ચર્ચના પાદરીઓએ પણ હાજરી આપી હતી.પૂ. રામબાપાને જન્મદિનની શુભેચ્છા પાઠવવા માટે દિવસભર ભક્તોનો ધસારો રહ્યો હતો. મહામંત્રની ધૂન દરમિયાન ભક્તો ભાવવિભોર બનીને ઉત્સાહપૂર્વક નાચ્યા હતા. પૂ.રામબાપાએ ઉપસ્થિત લોકોને ભગવાનનું નામ સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે લેવા અને ઈશ્વરને શરણે થવાના અનુરોધ સાથે પ્રસંગનું સમાપન કરાવ્યું હતું. પૂ.રામબાપાએ તેમના પૂજ્ય ગુરુ સંત શ્રી હિરજીબાપા અને ઈષ્ટદેવતા ભગવાન શ્રી હનુમાનજી દ્વારા કૃપા અને શક્તિ પ્રાપ્ત થતા હોવાનું જણાવી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. પૂ.રામબાપાના દીકરી ભારતીબેન કંટારીઅા પણ સત્સંગમાં ખૂબ પ્રવૃત્ત બની રહ્યાં છે.