લંડનઃ રિવરસ્વે કાઉન્સિલર અને પૂર્વ મેયર ભીખુભાઈ પટેલે પ્રેસ્ટન કાઉન્સિલમાંથી રાજીનામું આપી દીધું છે. હતાશ કાઉન્સિલર પટેલ માને છે છે કે સ્થાનિક રાજકારણીઓ હવે વગ ધરાવતા નથી. સૌપ્રથમ ૧૯૯૦માં કાઉન્સિલમાં જોડાયેલા ૬૦ વર્ષીય ભીખુભાઈ પટેલ મે મહિનામાં પુનઃ ઉમેદવારી કરવાના નથી.
ભીખુભાઈ પટેલ કહે છે કે,‘મને હતાશા વ્યાપી છે કારણ કે કોમ્યુનિટી અમે સેવા આપીએ તેમ ઈચ્છે છે, પરંતુ અમે તેમને માત્ર એટલું જ કહી શકીએ છીએ કે અમે પ્રયત્ન કરીશું.’ તેઓ કહે છે કે આ નિર્ણયમાં અંશતઃ પારિવારિક કારણો પણ છે, પરંતુ કાઉન્સિલરનો પ્રભાવ પહેલા જેવો રહ્યો નથી.
બ્રોડગેટમાં રહેતા કાઉન્સિલર પટેલ કહે છે, ‘હું મારા સ્થાનિક વિસ્તાર માટે કામ કરી શકતો નથી કારણ કે આ માટે ભંડોળ નથી. તેથી મને લાગે છે કે માટો ભાગે કાઉન્સિલરની ભૂમિકા પ્રભાવહીન બની ગઈ છે. સરકાર તરફથી સ્થાનિક સરકાર સહાય ગ્રાન્ટમાં કાપ મૂકાયો છે, અધિકારીની સંખ્યા ઘટી છે, આથી અમે પહેલા જેવી સેવા આપી શકતા નથી. કોમ્યુનિટીની જરૂર અનુસાર સ્થાનિક વિસ્તારોની કેટલીક પ્રવૃત્તિ કરી શકીએ છીએ. અમે જે સેવા આપીએ છીએ તેમાં નિર્ણય લેવાની સત્તાની જરૂર રહેતી નથી.’ ૧૮ વર્ષ સુધી લેબર કાઉન્સિલર તરીકે સેવા આપનારા ભીખુભાઈ કહે છે કે માત્ર સમસ્યાઓની ચર્ચા જ કરવાની હોય, પરંતુ તેના અંગે અમલ કરી ન શકાય તો અમારી કોઈ ભૂમિકા રહેતી જ નથી.
કાઉન્સિલર પટેલ ગુજરાત હિન્દુ સોસાયટીના પ્રમુખ પણ છે, જે કામગીરી તેઓ ચાલુ રાખશે. તેમણે વંશીય સમાનતા અધિકારી તરીકે ૨૫ વર્ષ કામ કર્યું છે. તેઓ ૨૦૦૫થી ૨૦૦૬ સુધી પ્રેસ્ટનના મેયર હતા.