લંડનઃ લેબર પાર્ટીના ૫૪ વર્ષીય પૂર્વ સાંસદ એરિક જોયસ લંડનમાં બે તરુણ પર હુમલો કરવાની ઘટનામાં દોષિત પૂરવાર થયા છે. અગાઉ, ચાર વખત દોષિત ઠરાવાયેલા જોયસને ૨૬ મેએ સજા જાહેર કરાશે, જેમાં જેલવાસ પણ થઈ શકે છે. ગત ઓક્ટોબરની ઘટનામાં જોયસે નોર્થ લંડનની કોર્નર શોપમાં ચોકલેટ મિલ્કશેક ખરીદવાનો પ્રયાસ કરતા ૧૪ અને ૧૫ વર્ષના બે તરૂણને અટકાવી પોતાના શરીર નીચે દબાવી દીધા હતા. પૂર્વ સાંસદે આ બે તરુણો સ્ટોરને નુકસાન કરવાનો પ્રયાસ કરતા હોવાની દલીલ કરી હતી. તેઓ નાગરિક ધરપકડ કરી રહ્યાનો હોવાનો દાવો કરી હુમલો કર્યો હોવાનું નકાર્યું હતું. જોકે, સીસીટીવી પર હુમલાના ફૂટેજ નિહાળ્યા પછી વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટે તેમને દોષિત ઠરાવ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે બે કિશોર કશું ખોટું કરતા હોય તો તમારે પોલીસને બોલાવવી જોઈતી હતી.