લંડનઃ ધ મોલ ખાતે ક્વીન એલિઝાબેથ દ્વિતીયની ૯૦મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે યોજાનારા ‘ધ પેટ્રન્સ લંચ’ની એક લાખ પાઉન્ડની કિંમતની સેંકડો ટિકિટો છેલ્લી ઘડીએ ખરીદીને એક અજાણ્યા મિલિયોનેરે ક્વીનના પૌત્ર પીટર ફિલિપ્સની આબરૂ બચાવી લીધી છે. સેન્ટ પોલ કેથેડ્રલ ખાતે નેશનલ સર્વિસ થેન્ક્સગીવીંગ અને ટ્રૂપીંગ ધ કલર સહિત ત્રણ દિવસના કાર્યક્રમોમાં પેટ્રન્સ લંચ મુખ્ય આકર્ષણ રહેશે.
ક્વીન ધ મોલ ખાતે ડ્યૂક અને ડચેસ ઓફ કેમ્બ્રીજ અને પ્રિન્સ હેરી સહિત ૧૦,૦૦૦ આમંત્રિતો સાથે બેસીને આગામી ૧૨મી જૂને પેટ્રન્સ લંચ લેશે. અગાઉ, ચેરિટીઝને વ્યક્તિદીઠ ૧૫૦ પાઉન્ડની ટિકિટો ખરીદવાનું પોષાય તેમ લાગતું ન હોવાથી મુખ્ય કાર્યક્રમ ફ્લોપ જવાનો ભય સેવાતો હતો. જોકે, અજાણ્યા દાતાની સહાય છતાં ચોથા ભાગની ટિકિટો પ્રજાને વેચવી પડશે.
ઓસ્ટ્રેલિયન કંપની સ્પોર્ટ્સ એન્ડ એન્ટરટેઈનમેન્ટ લિમિટેડના લંડનના ડિરેક્ટર ફિલિપ્સે અગાઉ જાહેરાત કરી હતી કે ૧૦,૦૦૦ ટિકિટમાંથી માત્ર ૧,૦૦૦ ટિકિટ જ પ્રજાને મળી શકશે, બાકીની ટિકિટો ક્વીનની ચેરિટીઝને અપાશે. જોકે, હવે પ્રજાને ૨,૫૦૦ ટિકિટ મળશે.