લંડનઃ RAC દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે છેલ્લાં ત્રણ મહિનામાં પેટ્રોલ પર પ્રોફિટ માર્જિનમાં ગ્રોસરી જાયન્ટ અસડાએ ભારે વધારો કર્યો છે. જાન્યુઆરીમાં અનલિડેડ પેટ્રોલના વેચાણમાં ૮.૬ ટકાનું માર્જિન હતું જે ૨૦૧૯ના ૩.૨ ટકા માર્જિન કરતાં લગભગ ત્રણ ગણો છે. હાલ પમ્પ પર અનલિડેડ પેટ્રોલનો એક લીટરનો ભાવ ૧૪૭.૭ પેન્સના વિક્રમજનક સ્તરે છે. જોકે, ગયા અઠવાડિયે ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલા વધારાને લીધે તેમાં હજુ વધારો થશે. ગયા મહિને મોરિસન અને અસડાએ ૧૮ ગ્રોસરી સ્ટેપલ્સ પર ગયા વર્ષની સરખામણીમાં અનુક્રમે ૧૫.૩ અને ૧૩.૬ ટકાનો વધારો કર્યો હતો. જ્યારે ટેસ્કોએ માત્ર ૦.૮ ટકા ભાવ વધાર્યો હતો.