પેન્શન આઝાદીનો કડવો અનુભવ

Saturday 13th June 2015 06:15 EDT
 
 

લંડનઃ નવી પેન્શન આઝાદીનો કડવો અનુભવ ૫૫થી વધુ વયના પેન્શન બચતકારોને થઈ રહ્યો છે. આશરે ૧૦૦,૦૦૦થી વધુ બચતકારોને તેમના પેન્શનના નાણા ઉપાડવા અથવા નાણાકીય સલાહ મેળવવા માટે આકરી ફી ચુકવવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ, હજારો લોકોએ તેમની બચતના નાણા પરત મળે તે પહેલા સ્વતંત્ર ફાઈનાન્સિયલ સલાહ માટે £૨,૦૦૦ સુધીની ફી ચુકવી છે.

બે મહિના અગાઉ જાહેર ક્રાંતિકારી સુધારાઓ મુજબ પપ વર્ષથી વધુ વયના બચતકારોને ફરજિયાત એન્યુઈટી કે આજીવન આવક વ્યવસ્થા ખરીદવાની રહેતી નથી. જોકે, કેટલાંક બચતકારોએ તેમનું ભંડોળ ઉપાડવું હોય કે નાણાકીય સલાહ લેવી હોય તો આકરી ફી ચુકવવાની ફરજ પડે છે, જ્યારે કેટલાંકને તો રોકડ રકમ મેળવવા કોઈ જ છૂટ અપાતી નથી. ઈન્ડસ્ટ્રી વિશ્લેષકોના જણાવ્યા મુજબ પેન્શન સુધારાનો લાભ મેળવવાપાત્ર ૧૦માંથી એક બચતકારે તેમની બચત મેળવવા ચુકવણી કરવી પડશે. ધ એસોસિયેશન ઓફ બ્રિટિશ ઈન્સ્યુરર્સે આ બાબતને સમર્થન આપ્યું છે કે જે તેઓ વહેલા નાણા ઉપાડવા માગતા હશે તો ‘અર્લી એક્ઝિટ ફી’ ચુકવવાની થશે.

પેન્શન સુધારાઓના ૬૦ દિવસ પછી પેન્શન પ્રોવાઈડર્સને વધુ દસ લાખ પૂછપરછ કોલ્સ મળ્યાં છે. આનો અર્થ એ કે ૧૦૦,૦૦૦ લોકોને તેમની રકમ મેળવવા નાણા ચુકવવા પડશે તેવી જાણકારી અપાઈ છે. મોટી સંખ્યામાં પેઢીઓ તેમના ગ્રાહકોને ફ્લેક્સિબિલીટી આપતી નથી, પરિણામે લોકોને એન્યુઈટી ખરીદવાની અથવા બચત અન્યત્ર ખસેડવા ફરજ પડે છે. હરીફ કંપનીમાં પેન્શન ભંડોળ ટ્રાન્સફર કરવા પણ ભારે ચાર્જ ચુકવવા પડે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter