પેન્શન ફંડમાંથી નાણા ઉપાડવાની પૂછપરછઃ પ્રતિ સેકન્ડ એક કોલ

Saturday 18th April 2015 07:02 EDT
 
 
લંડનઃ પેન્શનલક્ષી નિયમોમાં છ એપ્રિલથી સુધારા અમલી બન્યાં પછી પેન્શનરોએ સંપૂર્ણ અથવા અંશતઃ પેન્શન ફંડ ઉપાડી લેવા સંદર્ભે પેન્શન પ્રોવાઈડર્સને મોટી સંખ્યામાં કોલ્સ કર્યાં છે. આશરે ૨૦૦,૦૦૦ લોકોએ પ્રતિ સેકન્ડ એક અથવા રોજના ૫૭,૪૮૩ પૂછપરછના કોલ્સ કર્યાં છે. ૧૦૦ વર્ષના ઈતિહાસમાં સૌથી મોટી પેન્શન ક્રાંતિ ગણાવાયેલા સુધારા સંદર્ભે દરરોજ ૧૦,૦૦૦થી વધુ લેખિત અને ઈમેઈલ રીક્વેસ્ટ પણ મળી રહી છે. ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ને દાખલ કરેલા સુધારામાં ૫૫થી વધુ વયના લોકોને તેમના પેન્શન ફંડમાંથી નાણા ઉપાડવાની વધુ પસંદગી અપાઈ છે. સરકારના પેન્શન સુધારા હેઠળ ૫૫થી વધુ વયના પેન્શનરોને તેમના નિવૃત્તિભંડોળના ઉપયોગ બાબતે સંપૂર્ણ સ્વતંત્રતા મળી છે. તેમને એન્યુઈટી ખરીદવાની જરૂર નહિ રહે. તેઓ પેન્શન ફંડનો ઉપયોગ બેન્ક ખાતાની જેમ નાણા ઉપાડવા કરી શકશે. જોકે, તેમાં ટેક્સની શરત રહેલી છે. દર વર્ષે આશરે ૩૨૦,૦૦૦ લોકો નિશ્ચિત પેન્શન ફાળા સાથે નિવૃત્ત થાય છે. નવા સુધારાથી તેમને શું અસર થાય છે તે જાણવા ઉત્સુક લોકો તેમના પ્રેન્શન પ્રોવાઈડર્સનો સંપર્ક સાધી રહ્યાં છે. એસોસિયેશન ઓફ બ્રિટિશ ઈન્સ્યોરર્સે જણાવ્યું હતું કે નિયમો અમલી થયાના પ્રથમ સપ્તાહમાં ૨૨૯,૯૩૨ પૂછપરછ થઈ હતી.ટેલિગ્રાફના અભ્યાસ અનુસાર મોટા ભાગના પેન્શનરો રજાઓ માણવા, ઘરમાં સમારકામ કે સુધારાવધારા અને તેમના ગ્રાન્ડચિલ્ડ્રન માટે ફંડમાંથી નાની રકમો ઉપાડશે. યુગવ અને ઈન્વેસ્ટમેન્ટ કંપની ટિલ્ની બેસ્ટઈન્વેસ્ટના સર્વે મુજબ મહદ્દ કિસ્સાઓમાં પેન્શનરો £૨૦,૦૦૦થી ઓછી રકમ ઉપાડશે. ફાઈનાન્સિયલ સર્વિસીસ ફર્મ હારગ્રીવ્ઝ લેન્સડાઉનના પૂર્વ અંદાજ અનુસાર નવા નિયમો અમલી થયાના મહિનાઓમાં ૪૦૦,૦૦૦ રોકાણકાર તેમના પેન્શન ફંડમાંથી નાણા ઉપાડી શકે છે.

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter