લંડનઃ વયોવૃદ્ધ લોકોએ હવે ભારે બિલ્સ ચુકવવા પડે છે અને તેમના સંતાનો માટે કશું મૂકી જાય તેવી હાલત રહી નથી. યુકેમાં સારસંભાળની વાર્ષિક ફી £૨૯,૦૦૦થી ઘણી વધી હોવાનું હેલ્થકેર એજન્સીઓ કહે છે. સારસંભાળ ખર્ચ પર મર્યાદા લાદવાનું વચન આગામી વર્ષ સુધી અભરાઈએ ચડાવાયા પછી બહાર આવેલા આંકડા અનુસાર ત્રણ વર્ષમાં પહેલી વખત પેન્શનરોની સરેરાશ આવક કરતા કેર હોમમાં રહેવાનો ખર્ચ ઝડપી વધ્યો છે. દેશના કેટલાક વિસ્તારોમાં કેર હોમ ફી વાર્ષિક £૩૩,૮૦૦ જેટલી ઊંચી છે.
હેલ્થ સેક્રેટરી જેરેમી હન્ટે જણાવ્યું છે કે સાધનોની મર્યાદા £૨૩,૨૫૦થી વધારી £૧૧૮,૦૦૦ કરવાનું વચન પણ મુલતવી રખાશે. બન્નો યોજનામાં ૨૦૨૦ સુધી વિલંબ થશે. આનો અર્થ એ છે કે લાખો પેન્શનરોએ આસમાની ખર્ચનો સામનો કરવો પડશે અને તેમના પરિવારોએ સ્થાનિક ઓથોરિટીની લોન્સ પર આધાર રાખવો પડશે.
હેલ્થકેર એજન્સી પ્રેસ્ટિજ નર્સિંગ એન્ડ કેરના જણાવ્યા અનુસાર કેર હોમમાં સામાન્ય સિંગલ રુમનો ખર્ચ સરેરાશ પેન્શનરની £૧૪,૩૦૦ની આવકના બમણાથી પણ વધુ છે. £૨૯,૩૮૯ની સરેરાશ પ્રાઈસ જોઈએ તો પેન્શનરોને નિવાસી સારસંભાળ જોઈતી હોય તો દર સપ્તાહે £૨૯૦ની સરેરાશ અછત ઉભી થાય. ઈસ્ટ ઓફ ઈંગ્લેન્ડ સૌથી ખર્ચાળ કેર હોમ્સ સાથેનો વિસ્તાર બન્યો છે, જ્યાં વાર્ષિક સરેરાશ £૩૩,૮૦૦ જેટલી ઊંચી ફી છે, આની સામે નોર્થ ઈસ્ટમાં વાર્ષિક સરેરાશ £૨૪,૨૩૨ જેટલી નીચી ફી છે.