લંડનઃ ઓનલાઈન તમામ વ્યવહાર કરનારા લોકોની સરખામણીએ ઈન્ટરનેટની સુવિધા નહિ ધરાવતા વૃદ્ધ લોકો ઘરના અનેક બિલ્સ પાછળ વાર્ષિક £૩૦૦થી વધુ વધારાનો ખર્ચ ભોગવે છે. કન્ઝ્યુમર ગ્રૂપ Which?ના અભ્યાસ અનુસાર જે લોકો પોતાના બિલ્સ કાગળમાં આવે અને ઓનલાઈનના બદલે બ્રાન્ચમાં જ બેન્કખાતાનો વ્યવહાર કરવા ઈચ્છતા હોય તેમણે વર્ષે £૩૦૮ સુધીનો છૂપો ચાર્જ સહન કરવો પડે છે.
તપાસમાં જાણવા મળ્યું છે કે પેપર બિલ્સ મેળવવાથી અથવા ડાયરેક્ટ ડેબિટથી ચુકવણી નહિ કરવાના લીધે બ્રોડબેન્ડ, લેન્ડલાઈન, ટીવી, મોબાઈલ અને એનર્જી બિલ્સના વાર્ષિક ખર્ચમાં £૨૪૩નો વધારો થઈ શકે છે. વધુ વ્યાજ ચુકવતા માત્ર ઓનલાઈન એકાઉન્ટની સરખામણી બ્રાન્ચમા વ્યવહારની સુવિધા લેવાથી વ્યાજનું પણ નુકસાન થાય છે. વર્જિન મીડિયા જે લોકો પોસ્ટથી ચુકવણી કરવા માગતા હોય તેમની પાસેથી વાર્ષિક £૬૦નો વધારાનો ચાર્જ વસૂલ કરે છે.