મંગળવાર ૧૩ જાન્યુઆરીએ સરકારના કાઉન્ટર-ટેરરિઝમ એન્ડ સિક્યુરિટી બિલના બીજા વાચન પરની ચર્ચામાં તેઓ અસ્વસ્થ તબિયતના કારણે કમનસીબે હાજર રહી શક્યા ન હતા, પરંતુ જો ચર્ચામાં હાજર રહ્યા હોત તો ચોક્કસ મુદ્દા અવશ્ય રજૂ કર્યા હોત તેમ તેમણે આ લેખમાં જણાવ્યું છે.
‘ભારે કમકમાટી અને આ ઘૃણિત ઘટનામાં સપડાયેલાં નિર્દોષ લોકોના જીવન માટે ભય અનુભવવા સાથે મેં પેરિસની ઘટનાઓ નિહાળી ત્યારે મને નવેમ્બર ૨૦૦૮માં મુંબઈના ત્રાસવાદી હુમલાની યાદ તાજી થઈ આવી હતી.
હું તાજ હોટેલના મારા સ્યૂટમાં મહેમાનનવાજી કરી રહ્યો હતો ત્યારે અમારા પર હુમલો થયો હતો અને મારા મહેમાનો સહિત મને અમારા જીવન માટે ડર લાગ્યો હતો. અમે તત્કાળ અમારા રૂમમાં પ્રવેશદ્વારને ખોલાતું અટકાવવા ફર્નિચર અને અન્ય ભારે માલસામાનને ખસેડવા કામે લાગી ગયા હતા. બહાર કોરિડોરમાં ભારે શસ્ત્રસજ્જ ત્રાસવાદીઓ અંધાધૂંધ ફાયરિંગ કરી રહ્યા હતા. આ લોકોને જેલ અથવા મોતની જરા પણ પરવા ન હતી. તેઓ કોઈ પણ હિસાબે લોકાની હત્યા કરવા માગતા હતા. પેરિસ હુમલામાં શેરિફ અને સઈદ કોઆચી તેમ જ વુલીચમાં ૨૦૧૩માં ફ્યુઝીલીઅર લી રિગ્બીની અરેરાટીપૂર્ણ હત્યા કરનારા માઈકલ એડબોલાજો અને માઈકલ એડબોવાલે અથવા ગયા મહિને પેશાવરમાં આર્મી પબ્લિક સ્કૂલ એન્ડ કોલેજ પરના હુમલાખોરોની માફક આ લોકોને પણ કશું રોકી શકે તેમ ન હતું.
હું માનું છું કે આ સૌથી ખતરનાક અને ઝનૂની ત્રાસવાદીઓ સાથે કેવી રીતે કામ પાર પાડવું તેની સંપૂર્ણ સમીક્ષા કરવા લોકમાગણી છે. કાનૂનનું પાલન કરતા નાગરિકો પર અંકુશો વધ્યાં છે, એરપોર્ટ પર ચેકિંગ કડક થયું છે, શેરીઓમાં શોધખોળ અને સિક્યુરિટી એલર્ટ વધવા સાથે ત્રાસવાદીઓ જેલોમાંથી છૂટી માર્ગો પર ફરે છે અને તેમને સદાકાળ જેલોમાં ગોંધી રાખી શકાતા નથી તે પણ લોકો નિહાળે છે.’