લંડનઃ એનએચએસના પેશન્ટ્સને જરૂરી ન હોય તેવી દવાઓ અને ટેસ્ટ્સ આપવામાં આવતા હોવાની ચેતવણી ધ એકેડેમી ઓફ મેડિકલ રોયલ કોલેજીસના વરિષ્ઠ ડોક્ટર્સે આપી છે. તેમણે એવું કારણ દર્શાવ્યું છે કે જીપી અને હોસ્પિટલ્સને સારવારની ગુણવત્તા નહિ પરંતુ જથ્થા કે પ્રમાણના ધોરણે નાણા ચુકવાય છે. આવી અર્થહીન સારવારથી NHSને દર વર્ષે અંદાજે £૨ બિલિયનનો ખર્ચ આવે છે. તેમણે કહ્યું હતું કે નકામા નિદાન અને અનાવશ્યક સારવાર અટકાવવા માટે મેડિકલ પ્રોસિજર્સ ખરેખર જરૂરી છે તેમ ડોક્ટર્સને પૂછવા લોકોને પ્રોત્સાહિત કરવા જોઈએ.
યુકેની ૨૧ મેડિકલ રોયલ કોલેજીસના ૨૨૦,૦૦૦ ડોક્ટર્સનું પ્રતિનિધિત્વ કરતા ડોક્ટરોએ કહ્યું હતું કે ઘણા પેશન્ટ્સને તેમને લાભના બદલે નુકસાન કરે તેવાં પરીક્ષણો અને સારવાર સહન કરવાની ફરજ પડાય છે. સાઈકિયાટ્રિક દવાઓ પર રખાતા ઘણા દર્દીને માત્ર કસરતની સલાહ અપાય તો પણ તેમને સારું લાગે છે.
NHS એટલે કે હોસ્પિટલોને તેમણે કરેલી પ્રોસિજર્સની સંખ્યા અને જીપીને નિદાન અને સારવાર બદલ નાણા ચુકવવાની સિસ્ટમ દર્દીઓના હિત વિરુદ્ધ જઈ શકે છે. બહોળાં પ્રમાણમાં ખર્ચાળ અને જોખમી દવાઓ તથા ઓપરેશન્સથી દર્દીઓનું જીવન સુધરતું નથી. ખરેખર તો કશું જ નહિ કરવું તે જ ઘણી વખત સાચો અભિગમ બની રહે છે તેમ પેશન્ટ્સને સમજાવવાની જરૂર છે. ધ ટાઈમ્સના અહેવાલ અનુસાર લાખો રક્ત પરીક્ષણો અર્થહીન હોય છે. એકેડેમી કહે છે કે યોગ્ય કારણ હોય તો જ આ પરીક્ષણો કરાવવા જોઈએ.