લંડનઃ કોર્ટના કોમ્પ્યુટર પર પોર્નોગ્રાફી નિહાળતા હોવાના આક્ષેપોના પગલે ત્રણ જજ- ડિસ્ટ્રીક્ટ જજ ટિમોથી બાઉલ્સ, ઈમિગ્રેશન જજ વોરેન ગ્રાન્ટ, ડેપ્યુટી ડિસ્ટ્રીક્ટ જજ અને રેકોર્ડર પીટર બુલોકને તેમના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા હતા અને ચોથા જજે રાજીનામું આપી દીધું હોવાનું જ્યુડિશિયલ કન્ડક્ટ ઈન્વેસ્ટિગેશન્સ ઓફિસે (JCIO) જણાવ્યું હતું. તેમની વર્તણુંક તદ્દન અસ્વીકાર્ય હોવાનું જણાવાયું છે. લોર્ડ ચીફ જસ્ટિસ લોર્ડ થોમસ ઓફ ક્વિમગિડ અને લોર્ડ ચાન્સેલર ક્રિસ ગ્રેલિંગે આ આક્ષેપોની તપાસ હાથ ધરી હતી.
JCIOના નિવેદનમાં જણાવાયું હતું કે બન્ને ચીફ લોર્ડ જસ્ટિસે કોર્ટના સાધનનો દુરુપયોગ થયો હોવાનું ઠરાવતા જણાવ્યું હતું કે આ ઘટના ચલાવી લેવાય નહિ. પ્રવક્તાએ જણાવ્યું હતું કે જોવાયેલી સામગ્રીમાં બાળકોની તસવીરો ન હતી અને તે ગેરકાનૂની પણ ન હતી. જોકે જજીસ બેન્ચ પર બેઠા હતા કે ચાલુ કોર્ટ કેસ દરમિયાન પોર્નોગ્રાફી નિહાળાતી હતી તે જણાવવા પ્રવક્તાએ ઈનકાર કર્યો હતો.
લિંકન કાઉન્ટી કોર્ટમાં કાર્યરત રેકોર્ડર એન્ડ્રયુ માઉ પણ તેમના જ્યુડિશિયલ આઈટી એકાઉન્ટ્સમાંથી આ જ પ્રકારની અયોગ્ય સામગ્રી નિહાળતા જણાયા હતા. જસ્ટિસ સેક્રેટરી ક્રિસ ગ્રેલિંગે લોર્ડ ચાન્સેલર તરીકેની ભૂમિકામાં જજીસ સામેના પુરાવાઓની સમીક્ષા કરી હતી.