લંડનઃ એન્ડી માર્શ અને નિક્કી વોટ્સન પોલીસ ઈતિહાસમાં વિલક્ષણ પ્રકરણ રચી રહ્યા છે. તેઓ પતિ-પત્ની છે. નિક્કી વોટ્સન એવન એન્ડ સમરસેટ પોલીસમાં આસિસ્ટન્ટ ચીફ કોન્સ્ટેબલ તરીકે જોડાશે, પરંતુ ચીફ કોન્સ્ટેબલને રિપોર્ટ નહિ કરે. આનું કારણ એ છે કે તેના પતિ એન્ડી માર્શ એવન એન્ડ સમરસેટ પોલીસમાં ચીફ કોન્સ્ટેબલ બનવાના છે. હિતોના ટકરાવને ટાળવા નિક્કી વોટ્સન અન્ય અધિકારીને રિપોર્ટ કરશે. એવન એન્ડ સમરસેટ પોલીસદળની પ્રતિષ્ઠા હાલ તળિયે બેઠી છે.
યુકેના પોલીસ દળોના ઈતિહાસમાં પણ અનોખો વિક્રમ હોવાનું મનાય છે. ચીફ કોન્સ્ટેબલના લગ્ન એક જ દળમાં અન્ય કમાન્ડિંગ સભ્ય સાથે થયાની પ્રથમ ઘટના છે. હેમ્પશાયરના ચીફ કોન્સ્ટેબલ એન્ડી માર્શ એવન એન્ડ સમરસેટ પોલીસમાં આ હોદ્દો સંભાળશે. એવન એન્ડ સમરસેટ પોલીસ એન્ડ ક્રાઈમ કમિશનર સ્યુ માઉન્ટસ્ટીવન્સે જણાવ્યું હતું કે, ચીફ કોન્સ્ટેબલ માર્શને પત્ની સાથે કામ પાર પાડવું ન પડે તેવી નીતિ અમલી બનાવાશે. આ નીતિના ભાગરૂપે નિક્કી વોટ્સન ડેપ્યુટી ચીફ કોન્સ્ટેબલ ગારેથ મોર્ગનને રિપોર્ટ કરશે.
જો વોટ્સન સામે કદી શિસ્તભંગના પગલાં લેવાની ફરજ પડે તો અન્ય પોલીસદળના ચીફ દ્વારા તેની કાર્યવાહી કરાશે. એવન એન્ડ સમરસેટ પોલીસ ફેડરેશનના કેવિન ફિલિપ્સે જણાવ્યું હતું કે,‘પોલીસ ઓર્ગેનાઈઝેશનમાં પતિ-પત્ની સંબંધના ઘણા દાખલા છે. તેઓ જ્યાં સુધી વ્યાવસાયિક કાર્યવાહી કરતા રહે ત્યાં સુધી કોઈ પ્રશ્નો ઉભાં થાય તેમ મને લાગતું નથી.’