લંડનઃ પરિવારો દ્વારા એકસાથે તેમના પોસ્ટલ મત ફાઈલ કરવાની વ્યાપક પદ્ધતિથી ગેરરીતિના જોખમ સાથે ચૂંટણી પરિણામોની પ્રામાણિકતાને અસર થતી હોવાની ચેતવણી કાનૂની નિષ્ણાતોએ આપી છે. લાખો બ્રિટિશ નાગરિકો મતદાન મથક જવાના બદલે પોસ્ટથી પોતાનો મત આપે તેવી પરવાનગી આપતી પદ્ધતિ માટે મે સાતની ચૂંટણી છેલ્લી બની રહે તેવી માગણી લો કમિશન સમક્ષ કરવામાં આવી છે.
વકીલોએ જણાવ્યું છે કે સામૂહિક પોસ્ટલ વોટિંગથી ગુપ્ત મતદાનની પવિત્રતા જળવાતી નથી અને કેટલીક એશિયન કોમ્યુનિટીઓમાં પોતાના સગાંસંબંધીઓ કેવી રીતે મતદાન કરશે તેના નિર્ણય પરિવારના વડા લેતાં હોય તો દબાણ કે ધમકીનું જોખમ પણ સર્જાય છે. કુલ મતદારોના ૨૦ ટકા જેટલાં મતદાર પોસ્ટથી મતદાન કરે છે ત્યારે વ્યાપક પારિવારિક મતદાનના કારણે ચૂંટણી પરિણામોને પડકાર આપવાનું પ્રમાણ વધવાની દહેશત રહે છે. લો કમિશન દ્વારા ચૂંટણીના કાયદાની સમીક્ષા થઈ રહી છે અને તેની ભલામણો ઓટમમાં કરાશે.