લંડનઃ આપઘાતમાં સહાય અથવા ઈચ્છામૃત્યુ આપતી ડિજિનિટાસ ક્લિનિક પ્રતિબંધિત બ્રિટિશ સાઈકિયાટ્રિસ્ટ ડોક્ટર કોલીન બ્રુઅર પાસેથી આ કામ માટે તબીબી મૂલ્યાંકન રિપોર્ટ મેળવતી હતી. ડો. બ્રુઅરે સ્વિસ ક્લિનિક ખાતે મોત મેળવવામાં ઓછામાં ઓછાં ૧૨ પેશન્ટને મદદ કરી હોવાનું કહેવાય છે. ડોક્ટર બ્રુઅરને ગંભીર ગેરવર્તણૂંક બદલ નવ વર્ષ અગાઉ જ મેડિકલ કાઉન્સિલના રજિસ્ટરમાંથી રદ કરાયા છે. પેશન્ટ ગંભીરપણે બીમાર કે મોતની નજીક ન હોય તો પણ તેમને મોત આપવા માટે જરુરી ‘માનસિક રીતે સ્વસ્થ’ હોવાનો નિષ્ણાત રિપોર્ટ આપવા ડોક્ટર બ્રુઅર તૈયારી દર્શાવતા હતા. તેઓ કહે છે કે, ‘હું મેડિકલ રજિસ્ટરમાં ન હોવાથી મારે શું કરવું તે મને કોઈ કહી શકે તેમ નથી.’
અન્ડરકવર મેઈલ રિપોર્ટરે માનસિક આરોગ્યની સમસ્યા ધરાવતી યુવાન પેશન્ટનો સ્વાંગ રચી ડિજિનિટાસની મુલાકાત લીધી ત્યારે તેને ડો. બ્રુઅર ખુલ્લાં દિલના હોવાથી તેમની મુલાકાત લેવા જણાવાયું હતું. પેશન્ટે મનોચિકિત્સકની મુલાકાત લીધી ત્યારે તેમણે આપઘાત તેના માટે રાહત બની રહેશે તેમ જણાવી તેમાં મદદ કરવાની તૈયારી દર્શાવી હતી. ૩૫ વર્ષની વયે આપઘાતની ઈચ્છા અંગે ડો. બ્રુઅરે આશ્વાસન આપતા કહ્યું હતું કે વય કોઈ અવરોધ નથી. તેમણે તેના જીપીની સલાહ ન લેવા પણ કહ્યું હતું.
અત્યાર સુધી ૨૭૩ બ્રિટિશ પેશન્ટ્સને મૃત્યુ આપવામાં સહાયક ડિજિનિટાસ ક્લિનિકને તેના પેશન્ટન્સના મૃત્યુ થકી ગેરકાયદે નફો હાંસલ કરવાના દાવાઓમાં મોટી ક્રિમિનલ તપાસનો સામનો કરવો પડે તેવી સ્થિતિ છે. ડિજિનિટાસની પૂર્વ નર્સે દાવો કર્યો છે કે આપઘાત કરનારા પેશન્ટ્સની મૂલ્યવાન વસ્તુઓ લૂંટી લેવા તેને કહેવાતું હતું. ક્લિનિકનો માલિક લૂડવિગ મિનેલી ડિજિનિટાસની સ્થાપના પછી મિલિયોનર બની ગયો છે. તે એકલવાયા પેશન્ટ્ને મૃત્યુ અગાઉ ક્લિનિકને દાન તરીકે અંગત બેન્ક એકાઉન્ટમાં હજારો પાઉન્ડના પેમેન્ટ માટે દબાણ કરતો હોવાનો આક્ષેપ છે. ક્લિનિક પ્રત્યેક આપઘાત સહાય કેસ માટે £૮,૪૦૦ની ફી વસૂલે છે. સ્વિસ પોલીસે ડિજિનિટાસની પ્રોપર્ટીઝમાં તપાસ આરંભી છે.