લંડનઃ હેરો વેસ્ટના સાંસદ ગેરેથ થોમસે ભારતમાં પ્રતિબંધિત કરાયેલી રૂ.૫૦૦ અને રૂ. ૧,૦૦૦ની ચલણી નોટ્સ સંદર્ભે ચાન્સેલર ફિલિપ હેમન્ડને પત્ર લખી યુકેસ્થિત ભારતીયોની મુશ્કેલીને વાચા આપી આપી છે. તેમણે ચાન્સેલરને ભારતીય નાણાપ્રધાન જેટલી સાથે આ મુદ્દો ઉઠાવી પાછી ખેંચાયેલી આ નોટ્સ મુદત સુધીમાં બદલાવી શકાય તેવી વ્યવસ્થા કરવા સૂચન પણ કર્યું છે.
ગેરેથે પત્રમાં જણાવ્યું છે કે,‘મારા મતવિસ્તારમાં લોકોએ મને કહ્યા મુજબ રૂ.૫૦૦ અને રૂ.૧,૦૦૦ની નોટ્સ પાછી ખેંચવાના ભારત સરકારના નિર્ણયના કારણો તેઓ સમજે છે. જોકે, ભારતની બહાર મોટા ભાગના મની એક્સચેન્જીસ દ્વારા નોટ્સ બદલવા ઈનકાર કરાયો છે.’
મારા વિસ્તારના ઘણા ભારતીયો પારિવારિક અથવા બિઝનેસ કારણોસર ભારતની નિયમિત મુલાકાત લેતા રહે છે અને તેઓ દરેક વખતે યુકે પાછા ફરે ત્યારે નાણા એક્સચેન્જ કરાવતા નથી પરંતું બીજા પ્રવાસ માટે નાણા હાથવગાં રાખે છે. જે લોકો આ વર્ષના અંત સુધીમાં ભારત જવાનો ઈરાદો રાખતા નથી તેમના માટે એક માત્ર વિકલ્પ ભારત જઈ રહેલા કોઈકને શોધી તેમના વતી નોટ્સ બદલાવી શકે તેમ કરવાનો છે. જોકે, બધા કેસમાં આ શક્ય નથી.’