લંડનઃ વેસ્ટ યોર્કશાયરના બ્રેડફર્ડની ૨૮ વર્ષીય બ્રિટિશ બ્યુટિશિયન સામીઆ શાહિદની પાકિસ્તાનના પંજાબમાં ગળુ દબાવીને હત્યા કરી હોવાની કબૂલાત તેના પ્રથમ પતિ મોહમ્મદ શકીલે કર્યા પછી તેની ધરપકડ કરાઈ હતી. હત્યામાં સાથ આપવા બદલ સામીઆના પિતા મોહમ્મદ સાહિદની પણ ધરપકડ થઈ છે.
સામીઆના પરિવારે હાર્ટએટેકથી મોત થયાનું જણાવી તેને સ્થાનિક કબ્રસ્તાનમાં દફનાવી હતી. જોકે તેના બીજા પતિ સૈયદ મુખતાર કાઝમે ઓનરકિલિંગનો આક્ષેપ કર્યો હતો. પાકિસ્તાની પોલીસે જણાવ્યું હતું કે ૭.૫ ઈંચનો ઉઝરડો સામીઆના ગળા પર જોવાં મળ્યો હતો. તેનાં મુખ અને નાકમાંથી લાળ અને લોહી પણ બહાર ફેંકાયેલું હતું. સામીઆ ૨૦૧૪માં પ્રથમ પતિ પાસેથી નાસી છૂટ્યાં પછી પરિવાર તેની શોધ ચલાવી હતી. પિતાની બીમારીના બહાને તેને પાકિસ્તાન બોલાવાઈ હતી.