લંડનઃ હવે પ્રદૂષણનું વધતું સ્તર નિયંત્રિત કરી ઓછું પ્રદૂષણ ઓકવા સાથે લંડન વિશ્વનું પ્રથમ શહેર બન્યું છે. પ્રદૂષણ નિયંત્રણ યોજના હેઠળ સૌથી વધુ પ્રદૂષણ ઓકતી કારના ડ્રાઈવર પાસેથી વધારાનો ચાર્જ વસૂલાશે. અલ્ટ્રા લો એમિશન ઝોનમાં કાર, બાઈક, વાન, મિની બસ, બસો, કોચીઝ અને ભારે વાહનો પ્રદૂષણના સ્તર નહિ જાળવે તો દરરોજ દંડ ભરવો પડશે.
લંડનના મેયર સાદિક ખાને આઠ એપ્રિલથી નવા અલ્ટ્રા લો એમિશન ઝોનના આરંભની જાહેરાત કરી કહ્યું હતું કે સૌથી વધુ પ્રદૂષણ ઓકતી કાર, બાઈક અને વાનના ડ્રાઈવરને સેન્ટ્રલ લંડનમાં ગાડી ચલાવવા માટે ૧૨.૫૦ પાઉન્ડ ભરવા પડશે. જોકે, બસ, કોચ અને ભારે વાહનોએ તો ૧૦૦ પાઉન્ડ ભરવા પડશે. આનાથી ૨૦૨૦ સુધીમાં ઉત્સર્જન- એમિશનમાં ૫૦ ટકા સુધીના ઘટાડાની આશા છે.
મેયરે હવાના પ્રદૂષણને ઘટાડવાના પ્રયાસોમાં સરકારની મદદ ઈચ્છતા કહ્યું હતું કે, લંડનની હવા ખૂબ જોખમી છે અને હું તેને ચલાવી નહિ લઉં. આ દરખાસ્તના વિવિધ પાસાંઓ અંગે મસલત ચાલુ વર્ષે જ શરૂ થશે અને બે વર્ષના સમયગાળામાં અમલી બનશે. સેન્ટ્રલ લંડનમાં અતિ વ્યસ્ત સમયમાં ૨૦૦૬ પહેલાના ડીઝલ અને પેટ્રોલના વાહનો ચલાવાશે તો વધારાના દસ પાઉન્ડ આપવા પડશે. આમ કહેવાતા ટી-ચાર્જના કારણે આવા વાહનમાલિકોએ વર્તમાન ૧૧.૫૦ પાઉન્ડના કન્જેશન ચાર્જ ઉપરાંત વધારાનો ચાર્જ આપવો પડશે.