લંડનઃ નીસડન મંદિર તરીકે ઓળખાતા BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે ગુરુવાર, ૨૨ સપ્ટેમ્બરે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના જીવન અને વારસાને શ્રદ્ધાંજલિ અર્પવા મહાનુભાવો અને શુભેચ્છક ભાવિકો એકત્ર થયા હતા. ભગવાન સ્વામીનારાયણના પાંચમા આધ્યાત્મિક વારસદાર અને BAPS સ્વામીનારાયણ સંસ્થાના નેતા પ્રમુખસ્વામીનું ૧૩ ઓગસ્ટ, ૨૦૧૬ના રોજ ૯૪ વર્ષની વયે ગુજરાતના સાળંગપુર મંદિર ખાતે નિધન થયું હતું.
વિશેષ સ્મરણસભામાં બ્રિટનસ્થિત ભારતીય હાઈ કમિશનર નવતેજ સરના, ટ્રેઝરીના પૂર્વ સેક્રેટરી અને બ્રેન્ટ સાઉથના સાંસદ લોર્ડ પોલ બોટેંગ, વોટફર્ડના ઈસ્કોન ભક્તિવેદાંત મેનોરના પ્રમુખ શ્રુતિ ધર્મદાસજી, બિઝનેસમેન અને ફિલાન્થ્રોપિસ્ટ ગોપીચંદ હિન્દુજા તેમજ મંદિરના સ્થપતિ અને પ્લાનર નાઈજેલ લેન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વના અનેક મહાનુભાવોએ આપેલી શ્રદ્ધાંજલિઓમાં સ્વામીશ્રીની પ્રેરણા અને જીવનની પોતાના પર અસરનું નિરુપણ કરાયું હતું.
વિશ્વશાંતિ અર્થે વેદિક પ્રાર્થના સાથે સભાનો આરંભ કરાયો હતો. આ પછી સ્વામીશ્રીના નિઃસ્વાર્થ જીવન અને માનવતાપૂર્ણ કાર્યોનું ચિત્રણ વિડીઓ પ્રેઝન્ટેશન મારફત કરાયું હતું. નીસડન મંદિરના વડા સાધુ યોગવિવેક સ્વામીએ પ્રમુખસ્વામી મહારાજ પોતાના જીવનસૂત્ર ‘અન્યોના કલ્યાણમાં જ આપણું કલ્યાણ સમાયું છે’ અનુસાર જ જીવન જીવી ગયા હોવાનું જણાવ્યું હતું. અન્યોની સેવા કરવા અને પ્રેરણા આપવાને જ તેમણે જીવન સમર્પિત કર્યું હતું.
સભાના વક્તાઓએ સ્વામીશ્રી સાથે તેમના અનુભવોની વાતો કરી હતી. નાઈજેલ લેને જણાવ્યું હતું કે,‘તેઓ અમારી પ્રેરણા અને નેતા હતા. તેમની પ્રેરણા મોટા પ્રવચનોમાંથી નહિ પરંતુ, અમારી સાથે સરળ અંગત સંપર્કથી મળતી હતી.’ લોર્ડ બોટેંગે પાર્લામેન્ટમાં સ્વામીશ્રીની મુલાકાત તેમજ અન્યત્ર તેમની હાજરીમાં તેમણે ‘શાંતિ અને સમતા’ અનુભવ્યા હોવાનું જણાવ્યું હતું. ગોપીચંદ હિન્દુજાએ સ્વામીશ્રીના નેતૃત્વની પ્રશંસા કરતા કહ્યું હતું કે ‘નમ્રતા સાથેનું નેતૃત્વ તેમનો મહાન ગુણ હતો.
ધર્મનેતા શ્રુતિ ધર્મદાસજીએ સ્વાશ્રીના કેટલાક ન્યક્તિગત ગુણોની છણાવટ કરી હતી. તેમણે કહ્યું હતું કે,‘સ્વામીશ્રીની દયા માત્ર ગુજરાતીઓ કે માનવીઓ પ્રતિ ન હતી, વિશ્વના સમગ્ર પ્રાણીઓ પ્રત્યે હતી.’ હાઈ કમિશનર નવતેજ સરનાએ સ્વામીશ્રીને ‘માનવજાતની સેવામાં જીવન સમર્પિત કરનારા મહાન આધ્યાત્મિક અગ્રણી’ ગણાવ્યા હતા.
BAPSની વૈશ્વિક પ્રવૃત્તિઓના કન્વીનર અને નવી દિલ્હીના સ્વામીનારાયણ અક્ષરધામના પ્રોજેક્ટ લીડર ઈશ્વરચરણ સ્વામીએ પ્રમુખસ્વામી મહારાજના સમર્પણ અને નિઃસ્વાર્થ માનવસેવાના આદર્શરુપ જીવન વિશે સમજ આપી હતી. પ્રમુખસ્વામી મહારાજના આધ્યાત્મિક વારસદાર મહંત સ્વામી મહારાજે પણ વીડીઓ સંદેશા દ્વારા પોતાની લાગણી વ્યક્ત કરી હતી. પ્રિન્સ ઓફ વેલ્સે બ્રિટિશ એશિયન ટ્રસ્ટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હિતેન મહેતા મારફત સ્વામીશ્રી પ્રત્યે પોતાનો આદર વ્યક્ત કર્યો હતો. લંડનના મેયર સાદિક ખાને પણ રાજધાનીના ડેપ્યુટી મેયર રાજેશ અગ્રવાલ મારફત દિલસોજી પાઠવી હતી. બ્રેન્ટના મેયર કાઉન્સિલર પરવેઝ અહમદે નીસડન મંદિરના નિર્માણ થકી પ્રમુખસ્વામી મહારાજે બ્રેન્ટને મહાન પ્રદાન કર્યું હોવાની કદર કરતું વિશેષ સર્ટિફિકેટ પણ ભેટ કર્યું હતું. પ્રમુખસ્વામી મહારાજના સન્માનમાં નજીકના વેમ્બલી સ્ટેડિયમની ભવ્ય કમાનને નારંગી રંગના પ્રકાશથી ઝળાહળાં કરવામાં આવી હતી. પ્રાર્થનાઓ, વિચારચિંતન અને પ્રતિભાવો સાથે આદરાંજલિ સભાનું સમાપન કરવામાં આવ્યું હતું.