લંડનઃ બ્રિટિશ પાર્લામેન્ટે ૧૦ ઓક્ટોબરની અર્લી ડે મોશન-૪૯૪ દ્વારા BAPS સ્વામીનારાયણ સંસ્થાના સન્માનીય અને લોકલાડીલા આધ્યાત્મિક માર્ગદર્શક ગુરુ પ્રમુખસ્વામી મહારાજના નિધન સંબંધે શોકપ્રસ્તાવ પસાર કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કન્ઝર્વેટિવ પાર્ટીના હેરો ઈસ્ટના સાંસદ બોબ બ્લેકમેન અને ગ્લાસગો ઈસ્ટના અપક્ષ સાંસદ નાતાલી મેકગેરી દ્વારા આ પ્રસ્તાવ રજૂ કરાયો હતો.
શોકપ્રસ્તાવમાં જણાવાયું હતું કે હાઉસ સન્માનીય અને લોકલાડીલા આધ્યાત્મિક માર્ગદર્શક ગુરુ પ્રમુખસ્વામી મહારાજના નિધન અંગે BAPS સ્વામીનારાયણ સંસ્થા અને સમગ્ર વિશ્વમાં તેના સભ્યો પ્રતિ શોક વ્યક્ત કરે છે. સમગ્ર વિશ્વમાં વિવિધ ધર્મો, સંસ્કૃતિ અને પશ્ચાદભૂ સાથેના સમુદાયો વચ્ચે શાંતિ, સંવાદિતા, શુભેચ્છા તેમજ સહકારને ઉત્તેજન આપવામાં પ્રમુખસ્વામી મહારાજની અથાક નિષ્ઠાએ સ્થાપેલા સ્થાયી વારસાની કદર કરે છે.
શોકપ્રસ્તાવમાં નોંધ લેવાઈ છે કે પરિવારોને મજબૂત બનાવવા, બાળકો અને યુવાનોને કેળવવા તેમજ સ્વૈચ્છિક સેવાની નિઃસ્વાર્થ ભાવના થકી કોમ્યુનિટી સર્વિસની પ્રેરણા આપવામાં તેમના પ્રદાને દેશના નૈતિક અને ધાર્મિક પોતને સમૃદ્ધ બનાવ્યું છે. અન્ય લોકોના કલ્યાણમાં જ આપણું કલ્યાણ છે તેવા સંદેશના ઉપદેશને તેમણે જીવી દર્શાવ્યો હતા.
પ્રમુખસ્વામી મહારાજે સમગ્ર કોમ્યુનિટી તથા આવનારી પેઢીઓ માટે પૂજા-પ્રાર્થના, જ્ઞાન, ઉજવણી અને સેવાના ધામ તરીકે નિર્માણ કરેલા સુંદર નીસડન ટેમ્પલની ભેટ આપવા બદલ બ્રિટિશ પાર્લામેન્ટે તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.