લંડનઃ ઈન્ડિયા હાઉસ ખાતે નવ જાન્યુઆરીએ કાર્યકારી ભારતીય હાઈ કમિશનર વિરેન્દર પોલ દ્વારા પ્રવાસી ભારતીય દિવસ ૨૦૧૬નું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ક્સ એન્ડ પેન્શન વિભાગ અને મિનિસ્ટ્રી ઓફ જસ્ટિસમાં પાર્લામેન્ટરી અંડર સેક્રેટરી ઓફ સ્ટેટ અને સાંસદ શૈલેશ વારા આ ઉજવણીના મુખ્ય મહેમાન હતા. વારાએ જણાવ્યું હતું કે આ સદી ભારતની બની રહેશે. આ બાબત નિર્વિવાદ છે કે ભારત નોંધ લેવી પડે તેવું વૈશ્વિક પરિબળ બની રહેવાનું છે. ખરો મુદ્દો સમયનો છે. તેમણે કહ્યું હતું કે બ્રિટનમાં દરેક ક્ષેત્રમાં, ભલે તે જાહેર સેવા, બિઝનેસ, પ્રોફેશન્સ, શિક્ષણ, કળા, કલ્ચર હોય, ભારતીય મૂળના લોકો મળી આવશે.
શૈલેશ વારાએ સંબોધનમાં જણાવ્યું હતું કે,‘કદાચ ૩૦ વર્ષ અગાઉ મારે ભારતીય સમુદાય વિશે કહેવાનું હોત તો મેં કહ્યું હોત કે, ભારતીયો વિશ્વના દરેક ખૂણામાં રહે છે, વિશ્વના દરેક ખૂણામાં એક ભારતીય કોર્નર શોપ ચલાવતો મળી આવશે, પરંતુ આજે મારે કહેવાનું છે કે દુનિયાના દરેક ખૂણામાં કોર્નર શોપ હશે પરંતુ તે કોર્નર શોપને પૂરવઠો પૂરો પાડતા ગોડાઉનનો માલિક કદાચ ભારતીય હશે. કદાચ તે ગોડાઉનને પૂરવઠો પણ ભારતીય ઉત્પાદક પહોંચાડતો હશે અને કદાચ ઉત્પાદક સંસ્થાને ફાઈનાન્સિંગ સવલત આપનાર પણ કદાચ ભારતીય હશે.’
તેમણે કહ્યું હતું કે, ‘બ્રિટનમાં ભારતીય સમુદાયે ટેક્સીસના સ્વરૂપે સરકારી તિજોરીને જે ફાળો આપ્યો છે તે ઈલેક્ટોરેટમાં તેમના હિસ્સાના પ્રમાણથી ઘણો વધુ છે. દરેક સેક્ટરમાં ભારતીયો ઉચ્ચ હોદ્દા ધરાવે છે. હર મેજેસ્ટીની સરકારમાં હું પોતે મિનિસ્ટર છું અને મને મિનિસ્ટર હોવાનો ગર્વ છે અને હું ભારતીય મૂળનો છું. ભારતની પ્રગતિ થાય છે ત્યારે તમારા બધાની માફક મને પણ તે વૈશ્વિક સ્તરે આગળ વધે તેમાં મદદ કરવાની ઈચ્છા રહે છે.’ તેમણે ઉમેર્યું હતું કે,‘યુકે આપણો દેશ છે. આપણે તેને ઈચ્છાપૂર્વક આપણું ઘર બનાવ્યું છે અને સો ટકા બ્રિટનને વફાદાર છીએ. પરંતુ અમને અમારા વતન માટે પણ ઊંડો પ્રેમ છે અને સમગ્ર વિશ્વના બારતીયો માટે પણ છે.’
શૈલેશ વારાએ ભૂતકાળમાં બ્રિટને કદી નહિ અનુભવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વેમ્બલીના અભૂતપૂર્વ સ્વાગત સમારોહની સફળતાનો યશ ઈન્ડિયા ઈન્ક.ના સીઈઓ મનોજ લાડવાને આપ્યો હતો. આ પ્રસંગે મનોજ લાડવાએ જણાવ્યું હતું કે,‘સોશિયલ મીડિયાની શક્તિને પીછાણી તેનો ઉપયોગ કરવો જોઈએ. મારા ૭૫ વર્ષીય માતા ફેસબૂક એકાઉન્ટ ધરાવે છે. સોશિયલ મીડિયાએ તેમના માટે ગ્રાન્ડચિલ્ડ્રન અને બાહ્ય વિશ્વ સાથે સંપર્કોની વિશાળ બારી ખોલી આપી છે. સોશિયલ નેટવર્કિંગ હવે યુવાનોનો જ ઈજારો રહ્યું નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી હોય, ડેવિડ કેમરન હોય કે પછી પ્રેસિડેન્ટ બરાક ઓબામા હોય, તમામ ટ્વીટર એકાઉન્ટ પર સતત સક્રિય રહે છે. લોકો પાસેથી નવતર વિચારો જાણવા કે પોતાની કલ્પના તેમના સુધી પહોંચાડવાના શસ્ત્ર તરીકે તેઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે.’ તેમણે કહ્યું હતું કે ભારતીય ઓવરસીઝ વિદ્યાર્થીઓએ ઉચ્ચ ભારતીય કોર્પોરેટ્સ સાથે ઈન્ટર્નશિપ કરવા ઓવરસીઝ ઈન્ડિયન ફેસિલિટેશન સેન્ટરનો ઉપયોગ કરવો જોઈએ. આ ઈન્ટર્નશિપ્સ ભારતીય વર્ક કલ્ચરનો અનુભવ પ્રાપ્ત કરવા અને ભારતમાં પોતાના મૂળિયા સાથે સંપર્ક જાળવવાની તક પૂરી પાડે છે.
કાર્યકારી ભારતીય હાઈ કમિશનર વિરેન્દર પોલે જણાવ્યું હતું કે હવેથી ભારતમાં દર બે વર્ષે મુખ્ય પ્રવાસી ભારતીય દિવસ કાર્યક્રમ યોજાશે અને વિવિધ દેશોના ભારતીય મિશનોમાં વાર્ષિક ધોરણે યોજાશે. મહાન પ્રવાસી મહાત્મા ગાંધી ૯ જાન્યુઆરીએ સાઉથ આફ્રિકા છોડી સ્વાતંત્ર્ય ચળવળમાં ભાગ લેવા ભારત પરત આવ્યા તેની યાદમાં આ દિવસની પસંદગી પ્રવાસી ભારતીય દિવસ તરીકે કરવામાં આવી છે. તેમણે નરેન્દ્ર મોદી સરકારની વિવિધ પહેલ વિશેની માહિતી પણ આપી હતી.
લોર્ડ રાજ લૂમ્બાએ કહ્યું હતું કે ભારત સ્માર્ટ સિટીઝનું નિર્માણ કરી રહ્યું છે, મોટા ભાગના વિશ્વ સાથે વેપારી સંબંધો વધારી રહ્યું છે. આ બધા સાથે તેણે ઘરેલુ હિંસા, સ્ત્રીઓ પરના અત્યાચાર, માનવતસ્કરી અને બળાત્કાર અટકાવવા તેમજ સલામતી પૂરી પાડવા તરફ પણ ધ્યાન આપવું જોઈએ. નેશનલ ઈન્ડિયન સ્ટુડન્ટ્સ યુનિયન (યુકે)ના પ્રમુખ સનમ અરોરાએ જણાવ્યું હતું કે ભારતે ઉચ્ચ કૌશલ્ય ધરાવતા ભારતીય ડાયસ્પોરાના અનુભવ અને તજજ્ઞતાનો લાભ લેવો જોઈએ. મેઈક ઈન ઈન્ડિયા અને સ્કીલ ઈન ઈન્ડિયા પહેલોના મિશનને આગળ વધારવા સાથ-સહકાર આપી શકે તેવા હાઈ ક્વોલિફાઈડ વિદ્વાનો, બિઝનેસ પીપલ અને એન્ટ્રેપ્રીન્યર્સની ભરતી કરી શકાય તેવું વાતાવરણ સર્જવું જોઈએ. આયુર્વેદિક બોડીવર્ક કોન્સોર્ટિયમના અમરજિત એસ ભામરા, સાંસદ બોબ બ્લેકમેને પ્રાસંગિક સંબોધનો કર્યા હતા.